
વડગામ ભાજપના કદાવર સહકારી નેતા કે.પી.ચૌધરીની ઘર વાપસી
વડગામ તાલુકાના કદાવર સહકારી આગેવાન અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ બનાસ બેન્કના ડિરેકટર કેશરભાઈ ચૌધરીને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીનો ખેસ પહેરાવી ઘર વાપસી કરાવતા તેઓના વિશાળ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કે.પી.ચૌધરીની ઘર વાપસી થતા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થશે તેવું સમર્થકોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતા વડગામ તાલુકામાં બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની સંચાલક મંડળની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડગામ બેઠક ઉપર કેશરભાઈ વાયડાને ચૂંટણી લડવા મેન્ડેડ આપતા નારાજ કે.પી.ચૌધરીએ મેન્ડેડનો અનાદર કરી અપક્ષ ચૂંટણીમાં ઝંપલાવી ચૂંટણી જીતવામાં સફળ થયા હતા. જે દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખની સૂચનાથી કે.પી.ચૌધરીને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જેના કારણે કે.પી. ચૌધરીના વિશાળ સમર્થકોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી. જેથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે આગામી લોકસભાની ચૂંટણીમા પાર્ટીને મજબૂત કરી પાટણ લોકસભા બેઠક ઉપર વડગામ મત વિસ્તારમાં મોટી લીડ મેળવવા જિલ્લા પ્રમુખ સતત જાગૃત બની પાર્ટીનો ભવ્ય વિજય થાય તેવા પ્રયત્નો કરતા છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલ આગેવાનને ટૂંકા સમયમાં ઘર વાપસી કરાવતા વડગામ ભાજપ ફરી એકવાર મજબૂત બની બહાર આવશે. કે.પી.ચૌધરીની ઘરવાપસીના સમાચારને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ સાથે પાર્ટીનો આભાર પણ માન્યો હતો.