ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે લીલા વૃક્ષો કાપી નંખાતા ગ્રામજનોનો હોબાળો
ગ્રામજનોએ લીલા વૃક્ષો ભરેલું ટ્રેક્ટર અટકાવી મામલતદારને જાણ કરી: ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે સરકારી જગ્યામાંથી લીલા વૃક્ષો કાપીને ટ્રેક્ટર ભરી લઈ જવાતા ગ્રામજનોએ ટ્રેક્ટર અટકાવી ડીસા મામલતદારને જાણ કરી હતી. લીલા વૃક્ષો સરપંચના કહેવાથી કાપવામાં આવ્યા હોવાનું વૃક્ષો કાપનારાઓએ ગ્રામજનોને જણાવ્યું હતું.
ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે પંચાયતની જગ્યામાં બોર આવેલો છે.આ બોરની જગ્યામાં 15 જેટલા લીમડાના લીલા વૃક્ષો ઘટાદાર ઉભા હતા. આ વૃક્ષો નીચે ઉનાળાની સિઝનમાં ગ્રામજનો આરામ કરવા પણ બેસતા હતા. પણ કેટલાક શખ્સો દ્વારા અચાનક લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે વૃક્ષોના જાડા થડ ટ્રેક્ટરમાં ભરી લઈ જવાની પેરવી કરતા હતા આ દરમિયાન ગામના જાગૃત યુવાનોએ તેઓને લીલા વૃક્ષના થડ લઈ જતા અટકાવ્યા હતા. ગામના યુવકોએ આ વૃક્ષો કાપવા બાબતે પૂછતા તેઓએ શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં સરપંચના કહેવાથી વૃક્ષ કાપ્યા હોવાનું જણાવ્યું હતું.
જોકે યુવકોને આ વાત ગળે ન ઉતરતા તેઓએ તાત્કાલિક ડીસા મામલતદાર કચેરીએ આવી લેખિત જાણ કરી હતી અને આ લીલા વૃક્ષોનો મુદ્દામાલ સગે વગે થાય તે અગાઉ તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
Tags Disa taluka green trees