
થરાદમાં ભરઉનાળે અષાઢી માહોલ : વેદલામાં વિજળી પડતાં બે ભેંસોના મોત
થરાદ પંથકમાં ભરઉનાળે ચોમાસામાં આવતા તોફાનની જેમ મેઘરાજાની સવારી આવતા ખેડુતોની ચિંતામાં વધારો થયો હતો. શહેર અને આજુબાજુના ગામોમાં વિજળીના ચમકારા અને કડાકા વચ્ચે વરસાદથી પાણીના વ્હોળા રેલાયા હતા.થરાદના વેદલામાં વિજળી પડતાં ખેડુતની બે ભેંસોના મોત નિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે થરાદના છુટા છવાટા વિસ્તારમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.રવિવારની વહેલી સવારે અમી છાંટણાં બાદ બપોરે દોઢ વાગ્યાના સુમારે ભારે પવનની આંધી સાથે વિજળીના ચમકારા અને કડાકાના માહોલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.જેના કારણે નિચાણવાળા ભાગોમાં પાણીનો ભરાવો થયો હતો. નગરના મુખ્ય બજાર સહિત અનેક ગામોમાં વરસાદી પાણીના વ્હોળા રેલાયા હતા. થરાદના વેદલા ગામમાં બ્રાહ્મણ કરશનભાઇ ગણપતભાઇની બે ભેંસો પર વિજળી ત્રાટકતાં તેનાં કરૂણ મોત નિપજ્યાં હતાં.આથી ખેડુતને જાનમાલનું નુકશાન થયું હતું. બનાવના પગલે અરેરાટી પ્રસરવા પામી હતી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડુતોને ઉનાળુ પાકોમાં ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.