શાકભાજીની આડમાં નશીલા પોષડોડાની હેરાફેરીનો પર્દાફાશ
ધાનેરાની નેનાવા ચેક પોસ્ટ પર ૬.૭૬ લાખના પોષ ડોડાના જથ્થા સાથે પોલીસે રાજસ્થાનના આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમા હતી.તે સમય દરમિયાન ડીસા તરફથી એક જીપ ડાલું આવી રહ્યું હતું. પહેલી નજરે જોતા ડાલાના પાછળનાં ભાગમા શાકભાજી ભરેલી હતી.જો કે પોલીસને શંકા જતા શાકભાજી પાછળ જોતા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાડી ચાલકની અટકાયત કરી પોષ ડોડા બાબતે પૂછપરછ કરતા રાજસ્થાનનાં બાડમેર જિલ્લાના ઇક્રાણી ગામના પ્રકાશસિંહ આવડદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ જથ્થો ડીસા -ધાનેરા રોડ પર બાડમેરના હિન્દુસિહ રાજપૂતે આપ્યો હતો.તેથી પોલીસે બે ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે.ગાડીમાંથી ૨૨૫ કિલો ૬૧૦ ગ્રામ પોષ ડોડા (કિંમત ૬,૭૬,૮૩૦ ) પકડાયા છે સાથે ગાડી તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ ૯,૮૩,૦૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.