
ગરબા આયોજકો દ્વારા પાસનાં નામે ઉઘાડી લૂંટ ?
શક્તિ ભક્તિ અને આસ્થાના પ્રતીક્ષામાં નવલા નવરાત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પાલનપુર,ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ગરબા આયોજકો દ્વારા પાર્ટી પ્લોટ્સમાં ગરબાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ તમામ ગરબા આયોજકો દ્વારા પાસના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજ્જારોની કિંમતની તગડી રકમ પાસનાં નામે ગરબા રસિકો પાસેથી વસુલવામાં આવી રહી છે. પરંતુ આ તમામ ગરબા આયોજકો પાસ ઉપર કોઈ કિંમત ના લખી, વગર હિસાબે મનફાવે તેમ નાણાં વસૂલી સરકારને મોટા પ્રમાણમાં ચૂનો ચોપડી રહ્યા છે. પાલનપુર પ્રાંત કચેરી ખાતે મંજૂરી મેળવવા માટે જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે પ્રાંત કચેરી દ્વારા આ તમામ ગરબા આયોજકોની મંજૂરી પૂર્વે જીએસટી વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ જીએસટી વિભાગની નિષ્ક્રિતાના કારણે હાલમાં ગરબાના આયોજકો લાખો કરોડો રૂપિયા ની ટિકિટની વહેંચણી કરી તગડી કમાણી કરી રહ્યા છે. સમગ્ર બાબતે જીએસટી કચેરી ખાતે જીએસટી કચેરીના ઓએસ એ જણાવ્યું હતું કે, આ બાબતે અમે નવરાત્રી પૂર્વે તમામ આયોજકોને બોલાવી અને તેમને સમજણ આપી હતી પરંતુ હજુ સુધી જીએસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી ત્યારે સવાલ એ જ પણ છે કે લાખુ કરોડોની તગડી કમાણી કરતા આ ગરબા આયોજકો સામે જીએસટી વિભાગ કેમ કોઈ તપાસ કરતાં પણ ગભરાય છે.? આવા અણીયારા સવાલો જાગૃત પ્રજાજનો દ્વારા ઉઠવા પામ્યાં છે. ગાંધીનગર સ્ટેટ જીએસટીની ટિમ આ મામલે તપાસ
કરાવે તે જરૂરી ?
બનાસકાંઠાના પાર્ટી પ્લોટ સંચાલકો મનફાવે તેમ પાસની કિંમત વસૂલી રહ્યા છે. જે અંગે પાલનપુર તેમજ ડીસા જીએસટી વિભાગ બધી જ હકીકતો જાણતું હોવા છતાં હજુ સુધી આવા આયોજકોને એક નોટિસ સુધ્ધાં આપી શક્યું નથી. પરિણામે સરકારને લાખ્ખો રૂપિયાનો ચુનો આવા લેભાગુ આયોજકો લગાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ જીએસટીની ટીમ આવા આયોજકોની ગરબા પ્રોગ્રામમાં થયેલ આવક અંગે ઝીણવટભરી તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.
જીએસટી વિભાગ કેમ કોઈ ગરબા આયોજક પાસેથી ખુલાસો નથી માંગતું ?
રાજ્ય વ્યવસાય વેરો વિભાગની જવાબદારી છે કે દરેક નાગરિક કોઈપણ વસ્તુની ખરીદી પર જીએસટી ચોરી થાય છે કે નહી તેની દેખરેખ રાખે ! બનાસકાંઠામાં હાલ ચાલી રહેલાં ગરબા મહોત્સવોમાં પાસનાં નામે લોકો પાસેથી હજ્જારોના મોઢે નાણાં વસુલવામાં આવી રહ્યા છે, અને તે પાસ પર કોઈ જ કિંમત પણ લખાતી નથી, છતાં આવા બેનામી વ્યવહારો અંગે જીએસટી વિભાગે હજુ સુધી જિલ્લાના એક પણ ખાનગી પાર્ટી પ્લોટનાં ગરબા આયોજકોને નોટિસ આપી ખુલાસો માંગ્યો નથી. જે જીએસટી વિભાગની કામગીરીને પણ શંકાના ઘેરામાં મૂકી રહી છે.
જીએસટી વિભાગ દ્વારા નાણાંકીય વહવહારોની તપાસ તો થઈ શકે ને ?
પાલનપુર જીએસટી વિભાગે આવા તમામ ખાનગી ગરબા આયોજકોના આ બેહિસાબી નાણાં મુદ્દે હજુ સુધી કોઈ જ તપાસ હાથ ધરી નથી. ત્યારે જાગૃત નાગરિકોના મંતવ્યો મુજબ કોઇપણ સંસ્થા કોઈની પણ પાસેથી નાણાં લે છે તો તેનો પૂરેપૂરો હિસાબ નિભાવવો પડે છે. ત્યારે ધાર્મિક આયોજનના નામે કોઈ કિંમત લખ્યા વગરનાં પાસ મનફાવે તે કિંમતે વેચી બેહિસાબ નાણાં ના બનાવી શકે.ધાર્મિક કાર્યક્રમોમાં જીએસટી લાગે કે ના લાગે પણ નાણાં ચુકવવાની પાવતી, બિલ અને પાસની નિર્ધારિત કિંમત આ બધું તો નિત નિયમ મુજબ હોવું જ જોઈએ. તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.
ધાર્મિક કાર્યક્રમમાં પાસનાં નામે નાણાં ઉઘરાવવાનો ધંધો તો નથી ચાલતો ને!
બનાસકાંઠાના પાલનપુર,ડીસા જેવા મોટા શહેરોના પાર્ટી પ્લોટમાં ખાનગી સંસ્થાઓ દ્વારા નવરાત્રીના નવ દિવસો સુધી ગરબાનું આયોજન હાથ ધરાયુ છે. એકલા પાલનપુરમાં જ ૮ સ્થળોએ ખાનગી આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. પરંતુ જે પાસ નાણાં લઈ વેચવામાં આવ્યા છે. તે પાસ ઉપર કોઈ જ જીએસટી નંબર કે પાસની કિંમત પણ લખાઈ નથી. એટલું જ નહીં આ આયોજકો પાસ ખરીદનારને નાણાં લીધાં બાદ કોઈ બિલ કે પાવતી સુધ્ધાં આપતાં નથી. પરિણામે પાસનાં નામે કોની પાસેથી કેટલાં નાણાં લીધા અને પાસ વેચાણથી કેટલી કમાઈ થઈ તેઓ કોઈ જ હિસાબ રહેતો નથી. તેથી જિલ્લાના બુદ્ધિજીવી વર્ગમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ ધાર્મિક કાર્યક્રમોના નામે નાણાં ઉઘરાવવાનું કોઈ ખેલ તો નથી ને ?