ડીસામાં બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી અજાણ્યા બે ગઠીયાઓ નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસાની બેંક ઓફ ઇન્ડિયા ની શાખામાં પટાવાળા તરીકે નોકરી કરતા એક યુવકે પોતાના સંબંધીને પાક ધિરાણની રકમ ભરવાની હોવાથી તેને પોતાના અન્ય સંબંધીઓ પાસેથી રકમ એકત્ર કરી બેન્કમાં ભરી હતી અને આ રકમ શનિવારે બેંકમાંથી ઉપાડી રૂા.૬,૨૫,૦૦૦ ભરેલી થેલી બેંકના ટેબલ ઉપર મૂકી હતી. તે દરમિયાન અજાણ્યા બે કોઈ ગઠિયા બેંકમાં આવી આ યુવકની નજર ચૂકવીને રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા હતા. આ બંને ગઠિયાઓ સીસીટીવીમાં કેદ થયા છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતા અને બેંક ઓફ ઇન્ડિયાની ડીસા શાખામાં પટાવાળા તરીકે નોકરી કરતા ચતરાભાઈ વાહતાભાઈ ચૌધરી એ તેમના કુટુંબીક ફોઈના દીકરા પુરાભાઈ નારણભાઈ પટેલ રહે પેેછડાલવાળાને ડીસાની બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પાક ધિરાણના નાણાં ભરવાના હોવાથી ચતરાભાઈ એ પોતાના અન્ય સંબંધીઓ જોડેથી ઉછીના પૈસા લાવી બેંકમાં પાક ધિરાણની રકમ જમા કરાવી હતી અને શનિવારે આ રકમ ઉપાડવાની હોવાથી તેમને બેંકમાંથી ઉપાડી એક થેલીમાં બેંકના ટેબલ ઉપર મૂકી હતી અને તેઓ બાદમાં પોતાના કામકાજમાં લાગી ગયા હતા. બાદમાં તેમણે ટેબલ ઉપર નજર કરતા થેલી ગાયબ હતી.

જેથી તેઓએ થેલીની ભારે શોધખોળ કરવા છતાં પણ કોઈ ભાળ ન મળતા તેમણે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ૩૦ થી ૩૫ વર્ષના બે યુવકો આ થેલી લઈ જતા કેમેરામાં દેખાયા હતા. જેથી તેમણે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હાલમાં આ મામલે ચતરાભાઈ ચૌધરીની ફરિયાદ લઈ અજાણ્યા બે ગઠીયાઓ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંને જણાની શોધખોળ હાથ ધરી છે.ધોળા દિવસે બેંકમાં આવો બનાવ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.