
અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા બેના મોત
અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ- પાલનપુર હાઈવે પર અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.વધુ એક બનાવમાં આજે આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા ટ્રેલરની પાછળ એક કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અમીરગઢ હાઇવે પર અમદાવાદથી રાજસ્થાન જતી કારના ચાલકને સવારની ઊંઘનું ઝોકુ આવી જતા સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવતા આગળ જતાં ટ્રેલરની પાછળ કારને ઘુસાડી દેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અમદાવાદના બે વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. જ્યારે બેને ઈજાઓ થઈ હતી. અકસ્માત થયાનો અવાજ આવતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિઓને કારમાંથી નીકાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી. પોલીસે મરણ જનાર વ્યક્તિઓની લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.