
ડીસા તાલુકાના રસાણા પાસે કેનાલમાં પડેલા બે પશુઓ પડતા મોત નિપજ્યા
ડીસા-પાલનપુર હાઈવે પરથી પસાર થતી રસાણા કેનાલમાં બે પશુઓ પડતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સ્થાનિક લોકોએ ડીસા નાયબ કલેક્ટર અને સિંચાઇ વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરની રેસ્ક્યૂ ટીમે પહોંચી મૃત પશુઓને બહાર નીકાળ્યા હતા.દાંતીવાડા જળાશય યોજનાની મુખ્ય કેનાલ બનાસકાંઠાથી પાટણ સુધી જાય છે. જે કેનાલમાં અત્યારે પાણી છોડી પાટણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તે દરમિયાન આજે રસાણા પાસેથી પસાર થતી આ કેનાલમાં બે પશુઓ પડી ગયા હતા. ચાલુ કેનાલમાં બે પશુઓ પડી જતા પાણીમાં ડૂબી જતા બંને પશુઓના મોત નીપજ્યા હતા.
જે ઘટનાની જાણ થતા જ આજુબાજુના ખેડૂતો અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કેનાલમાં પડતા બે પશુઓના મોત થયા હોવાને પગલે આવેલા સ્થાનિક લોકોએ તરત જ ડીસાના નાયબ કલેક્ટર અને સિંચાઇ વિભાગને જાણ કરી હતી. તેમજ બંને મૃત પશુઓને બહાર નીકળવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ કેનલામાં ધસમસતો પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે સ્થાનિક લોકો પશુઓને બહાર નીકાળી શક્યા નહોતા. ત્યારબાદ નગરપાલિકાની ફાયર ફાઇટર ની રેસક્યૂ ટીમે પહોંચી પશુઓને બહાર નીકાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા જળાશય યોજનાની આ મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન દિવાલ ન હોવાના કારણે અવાર-નવાર પશુઓ પડી જવાની ઘટનાઓ બની રહી છે.