
જુનાડીસા હાઇવે ઉપર ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો : ગામ લોકોમાં ભારે આક્રોશ
(રખેવાળ ન્યૂઝ)જુનાડીસા, ડીસા -પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા ગામના હાઈવે ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફીકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. જેને લઈને વારંવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.ડીસા- પાટણ સ્ટેટ હાઇવે હોઈ નાના અને મોટા વાહનોની ૨૪ કલાક વધુ અવરજવર રહે છે. જેમાં ખાસ કરીને જુનાડીસા હાઇવે પર ઈકો પેસેન્જર ગાડીઓ અને શટલીયા રીક્ષા ચાલકો સવારથી સાંજ સુધી અડીંગો જમાવી દે છે.વધારામાં લારી અને ગલ્લા ધારકોનું દબાણ ટ્રાફિક સમસ્યા વકરાવી રહ્યા છે.જેથી હાઇવે પર અવર જવર કરતાં રાહદારીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગ્રામજનો દ્વારા વારંવાર વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ‘જેસે થે’ જોવા મળી રહી છે.
આ બાબતે ગામનાં પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાને લઈને ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે.માર્ગ અને મકાન વિભાગના બાબુઓના આશીર્વાદથી સરકારી જમીન પર કેબિન ધારકો અને લારી ગલ્લા વાળા દબાણ કરીને બેસી ગયા છે.ઉપરથી રોડ ઉપર આડેધડ ખાનગી વાહનોના ખડકલાના લીધે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. તાજેતરમાં આ મુદ્દે જિલ્લા પોલીસ વડાને પણ લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી હતી.વધુમાં તેમણે હાઇવે પર પોલીસ પોઇન્ટમાં સ્થાનિક નહી પરંતુ અન્ય પોલીસ કર્મચારીઓને મુકવાની માંગ પણ કરી હતી.