રખડતા પશુઓનો ત્રાસ : વહીવટી તંત્ર પણ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ
ચોમાસાની શરૂઆત થતાં જ રખડતા પશુઓનો ત્રાસ વધી જતો હોય છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ આ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. અને આ રખડતા પશુઓના આતંકને પગલે ઘણીવાર અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા દર્શાવવામાં આવતી નથી. ત્યારે વાત કરીએ ડીસાથી પાટણ જતાં હાઇવેની તો ડીસાના ભોપાનગરથી માંડીને આસેડા ગામ સુધીના હાઇવે પર દિવસેને દિવસે પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ભોપાનગર, જૂનાડીસા, માણેકપુરા, ખરડોસણ અને આસેડા સુધીના માર્ગ પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓના લીધે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
તાજેતરમાં ખરડોસણ ગામનો આશાસ્પદ યુવક ડીસાની એક ખાનગી પેઢીમાં નોકરી કરીને પરત મોટરસાઇકલ પર તેના ઘરે જતો હતો ત્યારે પણ રસ્તામાં અચાનક આખલો આવી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતમાં યુવાનનું મોત નીપજયું હતું.. પાટણ હાઇવે પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓને દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું નિવારણ હજુ સુધી આવ્યું નથી ત્યારે આ સમસ્યાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર ગંભીરતા દર્શાવે તો વધુ નિર્દોષ લોકોના જીવને બચાવી શકાય