
ભાભરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા
રાજ્યમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાની વાત કરીએ તો ભાભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે.
ભાભરના આઝાદ ચોક, ખાડિયા વિસ્તાર, ભાભર વાવ રોડ , લાટી બજારમાં વરસાદી પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન છે. તો શહેરી વિસ્તાર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતોને કપાસ સહિતના પાકમાં નુકશાન થવાની ભીતિ છે. ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.