થરાદ પંથકમાં તોફાની વરસાદઃવિજળી પડતાં છ પશુઓનાં મોત
છાતીનાં પાટીયાં થથરાવતા અવકાશી વિજળીના કડાકાભડાકાથી દહેશતનો માહોલ પ્રસર્યો: થરાદ પંથકમાં ગુરૂવારની સવારે સાડાપાંચ વાગ્યાથી જ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. જેમાં તાલુકાના ગામોમાં અવકાશી વીજળી પડતાં પશુઓના મોત નિપજયાની ઘટનાઓ સામે આવી છે. દુધાળાં પશુઓનાં ટપોટપ મોત થતાં ખેડુત પરિવારમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી.
બનાસકાંઠા જીલ્લાના સરહદી થરાદ પંથકમાં ગુરુવારે સવારે સાડાપાંચ વાગ્યાથી ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે થરાદના કરણાસર ગામે રહેતાં ગગજીભાઇ ધરમભાઇના ખેતરમાં બાંધેલા બે પશુઓ (ગાય અને ભેંસ) પર વીજળી પડતાં મોત થયું હતું.
તદુપરાંત સવારે છ વાગ્યે ત્રાટકેલી વિજળીથી થરાદના દોલતપુરા ચોકડી પાસે રહેતા આદમભાઇ અહમદભાઇ ઘાંચીના ઇઢાટાવાળા ખેતરમાં બે ભેંસના મોત નિપજ્યા હતા. જ્યારે વિજળીએ બાજુમાં રહેલા લિલા લિમડાની છાલ પણ ઉખેડી નાખી હતી.
તેમજ આકાશી વીજળી પડતાં અન્ય પશુપાલક સુથાર મેઘજીભાઈની એક ભેંસનું મોત નીપજ્યું હતું. જ્યારે દોલતપુરા ગામના ખેડૂતના ખેતરમાં ભાગિયા તરીકે રહેતાં શ્રમજીવીની બે ભેંસો પર આકાશી વીજળી પડતાં બંન્નેનું મોત થયું હતું. થરાદ તાલુકામાં અવકાશી વિજળીએ કહેર વર્તાવતાં પ્રજાજનોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.