
આવતીકાલે વડાપ્રધાન અંબાજી મંદિર મા માતાજીના પાદુકા પૂજા સહીત પંચોકપચાર પૂજન કરશે
બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મા અંબા જગદંબાની આરાધના કરવા પહોંચી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના આગમનને લઇ થઇ રહેલી તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે.તાજેતરમાં જ માતાજીની આરાધનાનો પવિત્ર તહેવાર નવરાત્રિનું સમાપન થયું અને તે વચ્ચે જ હવે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા અંબા જગદંબાની આરાધના અર્થે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ જિલ્લાના તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. જો કે હવે તંત્ર તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ થઇ ગયું છે.આવતીકાલે સૌપ્રથમ વડાપ્રધાન હડાદના ચીખલા ખાતે તૈયાર કરાયેલા હેલીપેડ ખાતે પહોંચશે અને તે બાદ બાયરોડ અંબાજી મંદિર ખાતે સુવર્ણ મંદિરના ગર્ભ ગ્રુહમાં પહોંચશે. ગર્ભગૃહમાં વડાપ્રધાન માતાજીની પાદુકા પૂજન અને પંચોકપચાર પૂજન કરી માતાજીના આશીર્વાદ મેળવશે.
વડાપ્રધાનના અંબાજી દર્શનના કાર્યક્રમને લઈ તંત્ર દ્વારા મંદિરના પ્રાંગણમાં આદિવાસી ઢોલ અને આદિવાસી તમ્બુરા નૃત્યનું આયોજન કરાયું છે. આદિવાસી સમાજની ભજન મંડળીઓ દ્વારા તંબુરા નૃત્ય કરવામાં આવશે. તો અંબાજીની શૈક્ષણિક સંસ્થા દ્વારા આદિવાસી ઢોલ નૃત્યો દ્વારા વડાપ્રધાનનું મંદિર પ્રાંગણમાં સ્વાગત કરાશે.વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વપ્ન અનુસાર તંત્ર દ્વારા વડાપ્રધાનના અંબાજી પ્રવાસને લઈ સમગ્ર અંબાજી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, ત્યારે આવતીકાલે વડાપ્રધાન અંબાજી પહોંચે તેઓ સમગ્ર અંબાજીમાં પોતાના સ્વપ્નને સાકાર થતું જોઈ શકે તે હેતુસર અંબાજી સહિતના વિસ્તારને સ્વચ્છ બનાવી દેવાયું છે.