એક સાથે ૧૫,૦૦૦ લોકોએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુણપુર ગામે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી ૮ ગામનો સામૂહિક કુરિવાજો અને વ્યસનોને તિલાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરબાર-સોલંકી સમાજના હજારો લોકોએ સામૂહિક કુરિવાજોને જાકારો આપી વ્યસન મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. જે સમાજના યુવાનો દેશની રક્ષા કાજે હર હંમેશ ખડે પગે તૈયાર રહે છે. તેવા સોલંકી- દરબાર સમાજમાં પણ છેલ્લા ઘણા સમયથી વ્યસન નામનું દુષણ ઘૂસી ગયું છે. આ સમાજમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા કુરિવાજો અને વ્યસનના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી હવે ફરી પાછો આ સમાજ વ્યસનથી દૂર થવા સંકલ્પબદ્ધ થયો છે. જેમાં આજે ડીસા તાલુકાના લુણપુર ગામે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરાયુ હતું. ત્યારબાદ નકળંગ ભગવાનના મંદિરે જાહેરસભા યોજાઇ હતી.જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બાહદુરસિંહ વાઘેલા, પનસિંગ સોલંકી સહિત સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય ગણીવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબે લોકોને કુરીવાજો અને વ્યસનથી થતા નુકસાન અંગે ગહનપૂર્વક સમજાવ્યું હતું. ત્યારબાદ તમામ લોકોએ સામૂહિક કુરિવાજોને તિલાંજલિ આપી વ્યસનથી મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

ભીલડી પંથકમાં આગમ વિશારદ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબે વ્યસન મુક્તિ અભિયાન છેડયું છે.જેને જન સમર્થન સાંપડ્યું છે. ગ્રામજનોને પ્રવચન આપતાં ગુરુ ભગવંતે જણાવ્યું હતું કે, હું બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા આવ્યો છું. એમાં આપ સૌનો સાથ સહકાર માંગું છું. આપ બધા આપના વ્યસનો આપી દો, હું આપને સૌને અપાર સમૃદ્ધિના આશિર્વાદ આપું છું.ગામમાં દારૂ બંધ કરવાનો તમે ર્નિણય કરો, પછી તંત્ર પણ તમને પૂરો સહયોગ આપશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દારૂ બંધ કરાવવો એકલાનું કામ નથી. સમાજ, પોલીસ અને રાજકીય આગેવાનો આ દરેકનુ યોગ્ય કોમ્બિનેશન થાય તો ચોક્કસ પણે દારૂબંધ થઈ શકે છે.

કુરિવાજોને પણ તિલાંજલિ આપવામાં આવી…
લગ્ન,મરણ, દિવાળી કે બેસતા વર્ષ જેવા પ્રસંગમાં અફીણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગામમાં દારૂ પીવા કે વેચવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, લગ્નમાં ડીજે કે રિસેપ્શન જેવા કુરિવાજો પણ બંધ કર્યા હતા, સાથે જ વરઘોડા અને ડાયરામાં પૈસા ઉછાળવા પર અને જુગાર રમવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતી પ્રતિજ્ઞા લીધી હતી.

પૂજ્ય ગુરૂ ભગવંતે જણાવ્યું હતું કે, લોકો આજે કહે છે કે આ મહારાજ સાહેબ વ્યસનના વિરોધી છે, વ્યસનમુક્તિ કરાવવા આવ્યા છે. લોકો આજે મારા માટે કાંઈકને કાંઈક વાતો કરી રહ્યા છે.પરંતુ આજે મારે જાહેર ખુલાસો કરવો છે,કે સૌ કોઇ બનાસવાસીઓ સાંભળી લેજો કે હું વ્યસનનો વિરોધી નથી,પરંતુ હું સત્યાનાશનો વિરોધી છું. આ દારૂએ શ્રીકૃષ્ણની દ્વારકાનો સત્યાનાશ કાઢ્યો, આ જુગારે કૌરવો અને પાંડવોના પરિવારનો સત્યાનાશ કર્યો.આ વ્યભિચારે રાવણનો નાશ કર્યો. આવી મહાન્ હસ્તિઓ પણ જો વ્યસનોથી સત્યાનાશ પામી હોય તો આપણા પાર્મ બનાસવાસીઓની તો કઈ અવદશા વ્યસનોએ હવે આપણને છેક સત્યાનાશના છેડે લાવી મૂક્યા છે, નુકસાનો ભોગવવામાં આપણે કાંઈ બાકી રાખ્યું નથી પરંતુ હવે એ દિવસો પૂરા થયા છે અને સોલંકીયુગના એ પ્રાચીન દિવસો ફરી શરૂ થયા છે. આ સાધુ આ પ્રજાનો હવે વધુ વિનાશ નહિં થવા દે.આપણી માતાઓ, બહેનો, દીકરીઓ અને બાળકો સૌ હવે નિશ્ચિંત બની જજો. આપ સૌ હવે શાંતિથી સૂઈ શકો એ માટે આ સાધુ હવે દિવસ-રાત જાગતો રહેવાનો છે.મારે આ સમાજને કેટલાક સવાલ પૂછવા છે.આપ સૌ શ્રી નકળંગ ભગવાનને,શ્રી બહુચરાજી માતાને,શ્રી મહાકાળી માતાને કે શ્રી અંબાજી માતાને માનો છો કે નથી માનતા ? ખૂબ મોટા ખેદની વાત છે કે જે ભગવાનને માનો છો એ ભગવાનનું માનવાની વાત આવે ત્યાં પાણીમાં બેસી જાઓ છો. આ હરગીજ નહિં ચાલે.આગળ વધીને આપણા સમાજને શ્રી દોલતરામજી મહારાજ જેવાં કેટલાય સાધુપુરુષોએ લોહી-પાણી એક કરીને આ વ્યસનોમાંથી અને કુરિવાજોમાંથી બહાર કાઢવા પ્રયત્નો કર્યા છે. પરંતુ છેક મોગલ અને અંગ્રેજકાળથી આપણે ઉઘતા જ રહ્યા. પરદેશીઓ આવીને આપણને બરબાદ કરતા ગયા અને આપણે હંમેશા ઉંઘતા રહ્યા અથવા અંદરોઅંદર ઝઘડતા રહ્યા.

આ આઠ ગામોમાં એક વર્ષમાં જેટલો અફીણ વપરાય છે એની કિંમત ૧૧ કરોડથી વધુ !!
તપાસમાં ઉંડા ઉતરતા કેટલાક ચોંકાવનારા આંકડાઓ અમારી સામે આવ્યા.આપણા આ આઠ ગામોમાં એક વર્ષમાં જેટલો અફીણ વપરાય છે એની કુલ કિંમત ૧૧ કરોડથી વધુ થાય છે.તેમજ દારૂનો વપરાશ ૧૫ કરોડથી વધુનો થાય છે.આ રીતે ગામદીઠ દર વર્ષે ત્રણ કરોડથી વધુ રૂપિયા સુખ-શાંતિ વધે એ માટે નહિં, પરંતુ દુઃખ અને અશાંતિ વધે એ માટે વેડફાઈ જાય છે.કોણ સમજાવશે આ માણસોને કે તમે જાતે જ તમારી કબર ખોદી રહ્યા છો તેમ જણાવી પૂજ્ય ગુરૂ ભગવંતે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦-૧૦ મહીનાથી હું આ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું, સમાજના દરેક સ્તરના અને દરેક વર્ગના લોકોને પૂછી પૂછીને આના કાયમી ઉકેલ વિશે ચર્ચા કરી રહ્યો છું. મારે એ જાણવું હતું કે આ વ્યસનમુક્તિની બાબતમાં રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો કે પોલિસતંત્ર આમ ત્રણમાંથી કોના ઉપર આધાર રાખી શકાય. પરંતુ હું આમાં જેમ જેમ ઉંડો ઉતરતો ગયો તેમ તેમ ઘણી જ ચોંકાવનારી વીગતો બહાર આવતી ગઈ. સમાજના સંરક્ષક ગણાતા આ ત્રણેય પરિબળ આ બાબતમાં લાચાર હતાં. આ વ્યસનો બંધ કરાવવા એ એમના હાથની વાત નથી એમ દરેકનું કહેવું હતું.દરેકની પાસે પોતપોતાના સ્વતંત્ર કારણો હતા અને બચાવ હતો. જો ખરેખર જ તેઓ વ્યસનો બંધ કરાવી શકતા હોત તો વર્ષો અગાઉ જ વ્યસનો નાબૂદ થઈ ચૂક્યા હોત.આ બધા જ સંયોગોની ઉંડી સમીક્ષાઓ કર્યા બાદ હું વ્યસનો અને કુરીવાજાે છોડાવવા અપીલ કરૂ છે. અંતે પ્રતિજ્ઞા લેનાર લોકોને આશિર્વાદ આપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.