
એક જ પરીવારના ત્રણ બાળકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે
ડીસા નગરમાં એક જૈન પરિવારના ત્રણ બાળ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરી અસાર સંસારનો માર્ગ છોડી સંયમનો સાચો માર્ગ અપનાવતા મુમુક્ષોનો જૈન આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં વર્ષીદાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ડીસામાં ત્રિ દિવસીય ચાલનાર દીક્ષા મહોત્સવમાં અનેક સાધુ ભગવંતોએ ઉપસ્થિત રહી મુમુક્ષોને આશીર્વચન આપ્યા હતા. ડીસા નગરમાં રહેતા કાપરા નિવાસી સીતાબેન ગુલાબચંદજી ફકીરચંદજી લુંકડ પરિવારના રંજનદેવી તથા પરેશકુમાર લુંકડના હૃદયના ધબકાર સમાન ત્રણેય સંતાનો મુમુક્ષુ વીરકુમાર, મુમુક્ષુ પૂર્વાગી કુમારી તથા મુમુક્ષુ નીશ્રા કુમારીએ સંસારનો માર્ગ છોડી સંયમના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો હતો. જેથી તેમનો ત્રિ દિવસીય દીક્ષા મહોત્સવ ડીસાના શ્રી કલાપૂર્ણ નગરી જૈન બોર્ડિંગ કોલેજ રોડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જૈનાચાર્ય સૌહાર્દ મૂર્તિ પ.પુ. આચાર્ય દેવ વિજય શ્રીમદ મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. અને જ્ઞાનમૂર્તિ પ.પુ.આચાર્ય દેવ શ્રીમદ વિજય મુનિશ્ચંદ્ર સુરીશ્વરજી મ.સા.મુક્તિ મંદિર પંથના પ્રદાતા તરીકે રહ્યા હતા. જ્યારે આત્મયોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. અને મધુરભાસી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલા પ્રભસુરીશ્વરજીના દિવ્ય આશીર્વાદ વડે તેમજ વર્તમાન ગચ્છાધિપતિ મૂહુર્ત પ્રદાતા પપ્પુ આચાર્ય દેવ શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબે પાવન આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે માતૃ હૃદયા પ.પૂ.દિવ્યગુણા શ્રીજી અને પ.પૂ.લાલિતગુણાશ્રીજી મ.સા. ના આદિ શ્રમણ વૃંદ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાપરા નિવાસી લુંકડ પરિવાર સંપૂર્ણપણે ધર્મના રંગે રંગાયેલો છે અને આ પરિવારમાં જૈનાચાર્યોની કૃપાથી એક પછી એક પ્રવજ્યાના પ્રસંગો આવતા જ રહ્યા છે. ત્યારે પરિવારના પુણ્યાત્માઓની પાવન પ્રેરણાથી પરેશભાઈ લૂંકડના ત્રણેય સંતાનો વીરકુમાર, પૂર્વાગીકુમારી તેમજ નીશ્રાકુમારી સંયમ સ્વીકારવા તત્પર બનતા તેઓના વર્ષીદાનની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. દીક્ષા મહોત્સવના ત્રીજા દિવસે મુમુક્ષોનો સ્નાન મહોત્સવ,મુક્તિ મંદિર યાત્રાનો મંગલ પ્રારંભ તેમજ સંઘ સ્વામી વાત્સલ્ય અને સત્તર ભેદી પૂજા જેવા કાર્યક્રમો યોજાશે.