લાખણી તાલુકા મથકમાં જાહેર શૌચાલય જ નથી : શૌચાલયના અભાવે આમ પ્રજાની હાલાકીમાં વધારો
ગ્રામીણ પ્રજાની તાલુકા મથકે રોજીંદી અવરજવર: બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોના સેન્ટર લાખણીને તાલુકા મથકનો દરજ્જો મળતા અનેક સરકારી કચેરીઓ ધમધમવા લાગી છે. પરંતુ સ્વચ્છતાની મોટી વાતો કરતું તંત્ર જાણે શૌચાલય બનાવવાનું ભૂલી ગયુ છે. જેથી તાલુકા મથકે આવતી આમ પ્રજાની હાલાકીઓ વધી પડી છે.
લાખણીને તાલુકો બનાવ્યાને ઘણો સમય થયો છે. જેથી તાલુકા મથકમાં વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓ શરૂ થઈ ગઈ છે. તાલુકા મથક હોવાથી ગામડાના લોકોની પણ સરકારી કામકાજ, ખરીદી, દવાખાના, રોજગારી અર્થે રોજીંદી વધુ અવરજવર રહેતી હોય છે. ત્યારે લોકોને પેશાબ પાણી માટે જાહેરમાં કોઈ શૌચાલયની વ્યવસ્થા ના હોવાના કારણે આમ પ્રજાને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. તેમાં પણ ગામડામાંથી આવતી બહેન-દીકરીઓ શરમજનક હાલતમાં મુકાય છે. અને સરકારનું સ્વચ્છતા અભિયાન તેમજ ઘર ઘર શૌચાલયનું અભિયાન પોકળ પુરવાર થાય છે.
જેથી સરકાર સાથે વહીવટી તંત્ર પણ વગોવાય છે. ત્યારે જાહેર સ્થળ ઉપર સત્વરે શૌચાલય બનાવવામાં આવે તેવી આમ પ્રજાની માગણી ઉઠી છે. આ બાબતે કોંગ્રેસ અગ્રણી ભેમાભાઈ ચૌધરીએ મામલતદારને લેખિતમાં શૌચાલય બનાવવા રજુઆત કરી છે ત્યારે ઘોરતું તંત્ર આળસ ખંખેરી જાહેરમાં શૌચાલય બનાવે તે વ્યાપક જન હિતમાં રહેશે.