માર્ગ મકાન વિભાગ પાલનપુર દ્વારા શહેરી વિસ્તારમાં રસ્તાઓની મરામત કરવાની કામગીરી પૂરજોશમાં
પોલીટેકનિક કૉલેજથી ગણેશપુરા રોડ, માધુપુરા રોડ, આઇ.ટી.આઇ. રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અન્વયે આર એન્ડ બી-પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે પાલનપુર શહેરમાં આજ સવારથી જ માર્ગ મકાન વિભાગે બિસ્માર રસ્તાઓની મરામત અને સમારકામ ની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ નાના મોટા ખાડા પડી ગયા હતા. જેને ધ્યાને રાખીને રસ્તા પર અવર – જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી સાથે ખાડા પૂરવાની અને રસ્તાઓને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પાલનપુર શહેર વિસ્તારમાં પોલીટેકનિક કૉલેજથી ગણેશપુરા રોડ, માધુપુરા રોડ, આઇ.ટી.આઇ. રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું.