
પાલનપુરની મહિલા હેર ઓઇલ શેમ્પૂ સહિતની વિવિધ ચીજ વસ્તુઓ બનાવી પગભર બની
આજના આધુનિક યુગમાં પુરુષો કરતાં હવે મહિલાઓ પર વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. તેમજ વિવિધ ઉદ્યોગો શરૂ કરી સારી કમાણી કરી રહી છે ત્યારે પાલનપુરની પણ એક મહિલા એર ઓઇલ સહિત કોસ્મેટિકની ચીજ વસ્તુઓ જાતે જ તૈયાર કરી અને તેનું વેચાણ કરી સારી કમાણી કરી રહી છે.પાલનપુરમાં રહેતા રમીલાબેન ભાવનાણી નામની આ મહિલાના પતિ રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતા હતા, પરંતુ વર્ષ ૨૦૨૦ માં આવેલા કોરોનાકાળ દરમિયાન તેમનો ધંધો ભાગી પડ્યો હતો અને પરીવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયુંં હતું. ત્યારે રમીલાબેનની ઉંમર ૬૦ વર્ષની છે અને આ ઉંમરે પણ તેમના વાળ ખૂબ જ સુંદર છે. જેથી તેમના પાડોશમાં રહેતા લોકો પણ રમીલાબેન પાસેથી આયુર્વેદિક ઓઇલ લઈ જતા હતા અને તેમને પણ તેનાથી ખૂબ સારું રિઝલ્ટ મળતું હતું.
રમીલાબેન ભાવનાણીની ઉંમર ૬૦ વર્ષ છે. તેમણે ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલો છે. તેમને બનાવેલા હેર ઓઇલની માંગ ધીમે ધીમે વધવા લાગી હતી. જેથી તેમને અન્ય ચીજ વસ્તુઓ બનાવાની શરૂઆત કરી જેમાં ફેસવોશ, ગુલાબ જળ, દંતમંજન, ફેસપેક અને હેર શેમ્પૂની અત્યારે ખૂબ જ માંગ છે. ઘરેલુ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલ વગર રમીલાબેન આ કોસ્મેટિકની વસ્તુઓ બનાવી રહ્યા છે અને જાતે તેનું વેચાણ કરે છે. જેના થકી આ મહિલા મહિને ૧૫ થી ૨૦ હજારની આવક મેળવે છે અને પોતાના પરિવારના ગુજરાનમાં મદદરૂપ સાબિત થઈ રહી છે.