
રસોડું પતાવી પરત આવતા રસોઈ સ્ટાફના ડાલાને ટ્રકે ટક્કર મારી
ડીસાના બનાસ નદીના પુલ પાસે કેટરિંગનો સ્ટાફ જીપડાલામાં આવી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારતા ચારને ઈજા થઈ હતી. જ્યારે ડાલા ચાલક ટ્રકને રોકવા જતા ટ્રક ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ જતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે ડીસા હાઈવે પર ઉન્નતી પાર્કની બાજુમાં આનંદ બંગલોઝ ખાતે રહેતા સુરેશભાઈ પુરોહિત કેટરિંગનો વ્યવસાય કરે છે. તેઓ બુધવારે પોતાના કેટરિંગ સ્ટાફ સાથે પેછડાલ ગામે રસોડું કરી જીપ ડાલામાં પરત આવતા હતા. ત્યારે બનાસ નદીના પુલ પાસે પાછળથી આવી રહેલી ખ્તદ્ઘ ૧૨ હ્વઅ ૫૦૫૬ નમ્બરની સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરવાની ટ્કે જીપડાલાને પાછળથી ટક્કર મારતા જીપ ડાલામાં બેઠેલ કાજલબેન લીલાભાઈ પંચાલ,મહેરભાઈ રાવલ અને રમેશભાઈ ધનાજી પુરોહિતને ઇજાઓ પહોંચી હતી.ટક્કર વાગતા સુરેશભાઈએ ડાલું સાઈડમાં લઈ ટ્રક ચાલકને ટ્રક ઉભી રાખવા જણાવતા ટ્રક ચાલક તેઓને ટ્રકની અડફેટે લઈ ટક્કર મારી નાસી છૂટ્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈને પણ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જે બાબતે સુરેશભાઈના ભાઈ ધવલ પુરોહિતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.