પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા વધુ વકરી તંત્રના નત નવા ગતકડાથી વાહન ચાલકો ત્રસ્ત
પાલનપુરના એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નિતનવા ગતકડાંથી સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. એરોમા સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિકજામ થઇ રહ્યું છે. જેને લઇ અમદાવાદથી રાજસ્થાન તરફ જતાં તેમજ કંડલા પોર્ટ તરફ જતાં વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઇ રહ્યા છે. અમદાવાદ બ્રિજ પર ગઠામણ પાટીયા સુધી ભારે વાહનોનો જમાવડો જોવા મળતા અંડર પાસમાં વળ્યા હતા. પરંતુ ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતાં ભારે રોષ ફેલાયો હતો. કરોડોનું આંધણ કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત નગરી બનાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7થી 10 મીટરની લેફટ સાઈડ વળવા લેન બનાવી દેવાઈ છે. પરંતુ વાહન ચાલકોને યોગ્ય જાણકારી ન હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી અને ટ્રાફિકજામ ની સ્થિતિ જોવા મળી હતી. હજુ દિશા સૂચક બેનર, જીબ્રા ક્રોસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. સર્કલ પરથી પસાર થતાં વાહનોની મોટી કતાર જામી હતી. આબુથી અમદાવાદ તરફ જતા તેમજ અમદાવાદથી આબુ અને ડીસા તરફ જતા માર્ગ પર વાહનોની મોટી લાઈન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો.
વર્ષોથી પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હાલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે.