પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનીગ મિટીગ છેલ્લી ઘડીએ મોકૂફ રહી

બનાસકાંઠા
બનાસકાંઠા 44

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વિકાસ નકશામાં વ્યાપક ગેરરીતિ ઓ આચરાઈ હોવાની રાવ ઉઠી છે. ખુદ પાલનપુર શહેર ભાજપ સંગઠન દ્વારા પાલિકાની વિરુદ્ધમાં સી.એમ. કક્ષાએ રજુઆત કરી નકશો રદ કરવાની માંગ કરાઈ હતી. ત્યારે આજે ફરી વિવાદિત નકશો મંજુર કરવા મળનારી ટી.પી.કમિટીની બેઠક પણ છેક છેલ્લી ઘડીએ રદ થતા નકશો મંજુર કરવાની પેરવી કરનારાઓની મનની મનમાં રહી જવા સાથે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા વિકાસ નકશો મંજુર કરવામાં કરોડો રૂપિયાની ખાયકીનો ખેલ ભજવાયો હોવાની વાતો છડેચોક થઈ રહી છે. સને ૨૦૦૪ બાદ ૧૬ વર્ષ જેટલા લાંબા વિલંબ બાદ બનેલા વિકાસ નકશામાં ગ્રીનબેલ્ટ હટાવવા કે ડી.પી.રોડ દૂર કરવાના નામે પાલિકાના સૂત્રધારો દ્વારા બિલ્ડરો અને ભૂમાફિયા ઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અરે, ખુદ પાલનપુર શહેર ભાજપ સંગઠન સહિતના ભાજપ મોવડી મંડળે પણ વિકાસ નકશામાં ગેરરીતિ આચરાઈ હોવાની રજુઆત સી.એમ. કક્ષાએ કરી હતી. વાત મુખ્યમંત્રી સુધી પહોંચતા પોતાના પર માછલાં ધોવાતા ખુદ નગર પાલિકા પ્રમુખે પણ મુખ્યમંત્રી ને પત્ર લખી વિકાસ નકશામાં ગેરરીતિ આચરાઈ હોવાનો એકરાર કર્યો હતો. જેને પગલે સરકારમાંથી નકશો લીલા તોરણે પાછો આવ્યો હતો. દરમિયાન, બિલ્ડરો સામે ઘુંટણીયે પડેલી પાલિકાએ આજે ફરીએકવાર વિવાદિત નકશો મંજુર કરવા ટી.પી. કમિટીની બેઠક બોલાવી હતી. જે બેઠક પણ છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. ત્યારે ચૂંટાયેલી પાંખ સામે પાલિકાના નિઃસહાય ચીફ ઓફિસર સતીશ પટેલે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, બિલ્ડરોના વધતા જતા દબાણને લઈને વિકાસ નકશો મંજુર કરાવવા થતા મરણીયા પ્રયાસોને જોતા ખુદ પાલિકાના શાસકો શંકાના દાયરામાં આવી ગયા છે. ત્યારે વિવાદિત નકશો મંજુર કરવા માટેની બેઠક મુલત્વી રહેતા વિકાસ નક્શાનું ભાવિ ફરી અધ્ધરતાલ બન્યું છે. જેને પગલે બિલ્ડરો સહીત બિલ્ડરો પાસેથી પત્રમ પુષ્પમ મેળવનારા લોકોમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.