
‘ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની’ થીમ આધારિત રાજ્યનો શાળા પ્રવેશોત્સવ યોજાશે
સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરવાના હેતુસર શિક્ષિત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૩થી શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ યજ્ઞને આગળ વધારવા આ વર્ષે “ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની” થીમ સાથે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી થવાની છે. બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી માટે બનાવેલી શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના સભ્યોની આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુરના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં એક જ્ઞાન યજ્ઞ બની રહે તે જાેવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી કેટલાંક રચનાત્મક સૂચનો સાથે ખૂટતી કડીઓને જાેડવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ શાળા પ્રવોશોત્સવ સમયે અંતરિયાળ વિસ્તારના ગામોને પ્રાધાન્ય આપી યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ બચાવવાના સંદેશા સાથે બાળકોને ભવિષ્યમાં તેમના ખોરાક અને ન્યૂટ્રિશિયનમાં કામ આવી શકે તેવા સરગવાના છોડનું શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ થાય તે માટે વન વિભાગ સાથે જરૂરી સંકલન કરવા સૂચન કર્યું હતું.