ડીસામાં લોન લઈ ભરપાઈ ન કરનાર ખેડૂતની સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી
નીચલી કોર્ટે ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદની સજા ફટકારી હતી: ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી વર્ષ 2018 માં 25 લાખની લોન લઈ ભરપાઈ ન કરતા બેંક દ્વારા ચેક રિટર્ન કેસમાં ફરિયાદ નોંધાવતા ડીસાની એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે ખેડૂતે સજા રદ કરવા ઉપલી કોર્ટમાં અપીલ કરતાં ડીસાની સેશન્સ કોર્ટે ખેડૂતની અપીલ રદ કરી સજા યથાવત રાખી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂત કપુરજી હીરાજી જાટે વર્ષ 2018માં કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકી તેની સામે દેના ગુજરાત ગ્રામીણ બેંક ( હાલ બેન્ક ઓફ બરોડા ) માંથી રૂપિયા 25 લાખની પ્લેજ લોન લીધી હતી. જોકે ખેડૂતે લોન સહિત વ્યાજની રકમ રૂ. 26,50,000 ભરવા બેંકને આપેલો ચેક રિટર્ન થતા બેંકે ખેડૂતને અનેક નોટિસો આપ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતા ડીસાની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આરોપી કપૂરજી જાટને બે વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 26.50 લાખ બેંકમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને જો રકમ જમા ન કરાવે તો વધુ બે માસની સાદી કેદની હુકમ કર્યો હતો.જે હુકમ સામે કપૂરજીએ પોતાની સજા રદ કરવા ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડીસાના આઠમા એડિશનલ સેશન્સ જજ મિહિરદેવસિંહ ઝાલાએ નીચલી અદાલતનો હુકમ યથાવત રાખી આરોપીની અપીલ નામંજૂર કરી હતી. કોર્ટે આરોપીને અપીલ સમય દરમિયાન આપેલા જામીન પણ રદ કરી દીધા હતા. આ ઉપરાંત આરોપી ચુકાદાના દિવસે કોર્ટમાં પણ હાજર ન હતા. તેમજ છેલ્લા 15 દિવસથી ફોન ઉઠાવતા નથી તેમ આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું. જેથી તેઓને ફટકારેલી સજા ભોગવવા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આવશ્યક હોવાથી કોર્ટે તેઓના વિરુદ્ધ પકડ વોરંટ ઇસ્યુ કરવાનો પણ આદેશ કર્યો હતો.