શહેરમાં રખડતા પશુઓની વિકટ સમસ્યા યથાવત પાલિકાના અધિકારી- પદાધિકારીઓ સામે આક્રોશ
ડીસા શહેરમાં લીલો ઘાસચારો રસ્તા વચ્ચે નંખાતો હોઈ અકસ્માતનો ભય: ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાને લઇને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સહિત રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકાઓને રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા હોવા છતાં ડીસા નગરપાલિકાના અધિકારીઓ રાજ્ય સરકાર અને હાઈકોર્ટેના આદેશની ઘોળીને પી ગયા હોય તેમ શહેરમાં આજેપણ જ્યાં નજર કરો ત્યાં રખડતાં પશુઓ નજરે પડી રહ્યા છે. જ્યારે બીજી બાજુ શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ કરતાં કેટલાંક લોકો જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતાં હોઈ રખડતાં પશુઓનો પણ રોડ પર જમાવડો જોવા મળી રહ્યો છે.
જેમાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી આગળ સંત અન્ના હાઈસ્કૂલ તરફ જતા માર્ગ પર લીલા ઘાસચારાનું વેચાણ રોડ પર જોવા મળી રહ્યું છે અને કેટલાક લોકો પુણ્ય કમાવા માટે જાહેરમાં રોડ પર ઘાસ નાખીને ગાયોને ખવડાવી રહ્યા છે જેને લઇને રોડ પર ચાલતાં વાહનચાલકો અને રાહદારીઓ સહિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આકસ્મિક ઘટનાનો ભય સતાવી રહ્યો છે .થોડા મહિના પહેલા ડીસા સબ ડિવિઝનન મેજીસ્ટ્રેટ દ્વારા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જે સમયે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવતાં લીલા ઘાસચારાનું વેચાણ બંઘ કરાવી શકાયું નથી જ્યારે ડીસા શહેરમાં પશુઓને રોડ પર છોડતાં પશુ માલિકોથી ડીસાનું વહીવટી તંત્ર પણ ડરતું હોઈ કોઈ ઠોશ કાર્યવાહી થતી નથી. જ્યારે પશુ માલિકો પોતાનો પશુઓનો નિભાવ કરી શકે તે માટે નગરપાલિકા દ્વારા પશુમાલિકોને જમીન ફાળવી દેવી જોઈએ અને પશુઓ માટે ઘાસચારો સહિત પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તો શહેરમાંથી રખડતાં પશુઓની સમસ્યાને કાયમી છુટકારો શહેરજનોને મળી શકે તેમ છે.
શ્રદ્ધાળુઓ પુણ્ય નહીં પણ પાપ કમાય છે: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આજે પણ જાહેરમાં ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. જ્યાં શ્રધ્ધાળુ પ્રજા ઘાસ ખરીદી પશુઓને નાખે છે પણ તેના કારણે પશુઓનો જમાવડો થાય છે. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. તેથી જાહેરમાં ઘાસ નાખતી પ્રજા પુણ્ય નહિ પણ પાપ કમાય છે. તેથી તેઓ ઘાસ પાંજરાપોળ કે ગૌશાળામાં આપે તો તેમનું દાન સાચા અર્થમાં ઊગી નીકળે.
Tags animals problem The serious