
પાલનપુરથી પારપડા રોડ તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન
પાલનપુર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ રોડ પર મસમોટા ખાડા પડી જાય છે, ત્યારે પાલનપુરથી પારપડા રોડ ભૂતેડી તરફ જતા માર્ગ પર રૂપપુરા પાસે રેલવેનાળુ બનાવેલું છે, તે નાળા નીચેથી પસાર થતો માર્ગ તૂટી ગયો છે અને ખાડા પડી જતા તે ખાડાઓમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે છે. જેથી લોકોને આ માર્ગ પરથી ચાલવું ભારે મુશ્કેલ બની રહ્યુ છે. જેના કારણે કેટલાક લોકો લાંબુ અંતર કાપીને સીટી તરફ આવવા મજબૂર બન્યા છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર બિહારી બાગ પાસે નીચાણ વાળો રોડ હોવાના કારણે તે માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહે છે. વરસાદ આવ્યા બાદ આ જગ્યા ઉપરથી પાણી ઓસરતા નથી, જેને કારણે આ માર્ગ પરથી ચાલતા તેમજ વાહન લઈને પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રહીશોએ જણાવ્યું હતું કે, ફોરવ્હિલર વાહનચાલકો તો આ માર્ગ પરથી પસાર થઈ જાય છે પરંતુ ટુવ્હીલર અને પગદંડીથી ચાલતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય રીતે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.બિહારી બાગથી પારપાડા જવાનો જે રસ્તો છે ત્યા વચ્ચે રેલવે નાળુ આવેલું છે એના નીચે વરસાદી પાણી ભરાયા છે, વારંવાર પાણી ભરાય જાય છે છતાં તંત્ર હજુ કશું કરતું નથી અમે વાહનો લઈને નીકળીએ તો તકલીફ થઈ છે તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી અમારી માંગ છે.