
વરસાદી માહોલ વચ્ચે ભાદરવો તપતા જીલ્લાવાસીઓ ગરમીથી પરેશાન થયા
બનાસકાંઠા જિલ્લામાં ભાદરવામાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. તેમ ગુરૂવારના દિવસના અંતે આકરી ગરમી બાદ સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. જેમાં અમીરગઢ અને દાંતીવાડાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર પવન ફૂંકાયો હતો. જેના કારણે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારથી જ આકરી ગરમીનો અહેસાસ પ્રજાજનો કરી રહ્યા છે. ભાદરવાની ગરમીથી જીલ્લાવાસીઓ તોબા પોકારી ઊઠયા છે ત્યારે મેધરાજા પણ મંડાણ કરી છુટાછવાયા ઝાપટા પડતા અસહ્ય ઉકળાટ જોવાં મળી રહ્યો છે તો બીજી ચોમાસું પાકોની સિઝન આવી ગઇ છે પરંતુ વરસાદી માહોલ સર્જાતા જગતના તાત પર પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.