ડીસા સહિત તાલુકામાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો
એરપોર્ટના મેદાનમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું: ડીસા તાલુકા, ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલી રહી છે. જેમાં ગુજરાત- રાજસ્થાનની સરહદે આવેલી મંડાર, નેનાવા, ખોડા, વાસણ સહિતની ચેક પોસ્ટો તેમજ કેટલાક કાચા ચોર માર્ગોથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ચાલતી હોઇ દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે.
જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઝડપવાના બનાવ બને છે. ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ડીસા તાલુકા, ડીસા શહેર ઉત્તર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દા માલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું.
ડીસા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી, ડીસા તાલુકા પીઆઇ વી.જી.પ્રજાપતિ, ડીસા ઉત્તર પીઆઇ શ્રીમતી એસ.ડી. ચૌધરી, ડીસા દક્ષિણ પીઆઇ કે. બી. દેસાઈ તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ડીસા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલના જણાવ્યા મુજબ ડીસા તાલુકા, ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડાયેલ દારૂના 174 ગુનામાં 35,193 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 68,98,265નો દારૂ પકડવામાં આવ્યો હતો. જે મુદ્દા માલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો.
Tags destroyed Disa liquor The quantity