
ગૌચર જમીનના દબાણોને લીધે રખડતાં પશુઓ સરદર્દ સમાન
સમગ્ર ગુજરાતમાં સહુથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં રખડતાં પશુઓ રખડતી મોત સમાન બની ગયા છે.જિલ્લામાં લગભગ તમામ શહેરો અને ગામડાઓમાં રખડતાં પશુઓએ લોકોની મુશ્કેલી વધારી છે.આખો દિવસ જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસેલા પશુઓને લીધે ટ્રાફિકની પારાવાર સમસ્યા સર્જાય છે,એટલું જ નહીં અનેક વખત અકસ્માતો સર્જાય છે અને વાહનો તેમજ પશુઓના અડફેટે આવવાથી અનેક લોકો મોતને ભેટતાં હોય છે.દરરોજ માનવ જિંદગીને જોખમમાં મુકનાર રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા જિલ્લા વહીવટી તંત્ર કોઈ જ નક્કર પગલાં ભરતું નથી,જેને લીધે આવા પશુઓ મોતને આમંત્રણ આપનાર પશુઓ બની ગયા છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએતો,બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 28.50 જેટલાં પશુઓ આવેલા છે.પશુઓના નિભાવ માટે અનેક ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકો દાતાઓના સહયોગથી વર્ષોથી પશુધનની માવજત કરે છે.પરંતુ કોવિડની વિકટ સ્થિતિમાં દાનની આવકમાં ઘટાડો થતાં ગૌ શાળાઓ ચલાવવી મુશ્કેલ બની હતી.જેને લીધે રાજ્યસરકારે 400 કરોડ રૂપિયાની ગૌ માતા પોષણ સહાય યોજના જાહેર કરી હતી.
પરંતુ આ યોજનાના અત્યારસુધી બે વખત જ નાણાં પાંજરાપોળ સંચાલકોને ચૂકવાયા છે.હજુ સુધી અનેક મહીનાઓના કરોડો રૂપિયાની સહાય બાકી બોલે છે,બીજી તરફ ગૌ શાળા તેમજ પાંજરાપોળ સંચાલકો પાસે કત્લખાને લઈ જવાતાં પશુઓ પણ આવતા હોય છે,તેથી પાંજરાપોળ સંચાલકો પાસે વધુ પશુઓ રાખવાની જગ્યા જ નથી હોતી,તેવામાં જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રખડતાં પશુઓને રાખવા દબાણ કરે તો આવા પશુઓને સાચવવા કઈ રીતે તે પાંજરાપોળ તેમજ ગૌ શાળા સંચાલકો માટે એક પેચીદો પ્રશ્ન છે.
સાહેબ!ગૌચરની જમીનો ક્યારે નિમ કરશો?
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રખડતાં પશુઓની સમસ્યા દૂર કરવા સરકારે પશુઓની સંખ્યા પ્રમાણે ગૌચરની જમીન નિમ કરવા અને પશુઓનો યોગ્ય નિભાવ કરવો ફરજિયાત છે.તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં સરકાર હસ્તક સેંકડો એકર ગૌચરની જમીનો આવેલી છે.તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આવી કેટલી ગૌચરની જમીનો નિમ કરવા લાયક છે,તેનું લિસ્ટ પણ તૈયાર કરાયું નથી.જેને લીધે રખડતાં પશુઓની સમસ્યા દૂર થતી નથી.તંત્રની ઇચ્છાશક્તિનાં અભાવે લોકોને મોતના મુખમાં ધકેલાવું પડી રહ્યું છે,તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.
સરકાર ! ગૌ માતા પોષણની સહાય તો ચૂકવો ?
બનાસકાંઠા જિલ્લાની 204 જેટલી ગૌ શાળા અને પાંજરાપોળે ગૌ માતા પોષણ સહાય યોજના માટે અરજીઓ કરેલી છે.આ તમામ સંસ્થાઓમાં 65 હજાર જેટલા ગૌવંશ નો નિભાવ કરવામાં આવે છે.પરંતુ રાજ્ય સરકારની આ યોજના હેઠળ બનાસકાંઠામાં માત્ર બે વખત જ સહાય અપાઈ છે.જેને લીધે એપ્રિલ થી સપ્ટેમ્બર મહીંના સુધીની 6 મહિનાની એકપણ રૂપિયો સહાય ચૂકવાઈ નથી.ગૌ માતા પોષણ યોજનામાં ગાય,ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે પશુ દીઠ પ્રતિ દિવસના 30 રૂપિયા ચૂકવવાના હોય છે,તે અનુસાર જિલ્લામાં છેલ્લા 6 મહિનાના કુલ 35 કરોડથી વધુની રકમના નાણાં ચૂકવવાના બાકી છે..જોકે મળતી માહિતી મુજબ પાંજરાપોળ સંચાલકોની વારંવારની રજૂઆતો બાદ હવે સરકારે એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિના દરમ્યાન ગૌવંશના પશુઓનો નિભાવ કરનાર સંસ્થાઓ પાસેથી સહાય માટેની અરજીઓ મંગાવાની શરૂઆત કરી છે..જોકે,હજુ સુધી તો માત્ર માર્ચ મહિના સુધીનાં જ નાણાં ચૂકવાયા છે.
લ્યો બોલો..એક વર્ષથી પાંજરાપોળ સંચાલકો સાથે કોઈ મિટિંગ જ નથી કરાઈ !
રખડતાં પશુઓની સમસ્યા ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલક એવા જીવદયાપ્રેમીઓ જ કરી શકે છે.જિલ્લામાં આવેલું 200થી વધુ પાંજરાપોળોમાંથી 90 ટકા થી વધુ પાંજરાપોળમાં જગ્યા કરતાં વધુ પશુઓ છે,તેથી જગ્યાના અભાવમાં વધુ પશુધન રાખવા તેઓ સક્ષમ નથી.ત્યારે આવા પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોને વધુ પશુઓ રાખવા ગૌચરની જમીન કઈ કઈ જગ્યાએ નિમ કરી શકાય તે બાબતના સલાહ સુચન માટેની મિટિંગ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાતી નથી.બનાસકાંઠા કલેકટર દ્વારા છેલ્લાં એક વર્ષથી રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા પાંજરાપોળ સંચાલકો સાથે એક પણ મિટિંગ નહીં કરાઈ હોવાનું એક ઉચ્ચસ્તરીય અધિકારીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું..
સેંકડો એકર ગૌચર જમીનો પરનાં દબાણો દૂર કરાશે ખરાં ?
રખડતાં ઢોરોને રાખવા અનેક જીવદયાપ્રેમીઓ તૈયાર છે,પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સેંકડો એકર સરકારી ગૌચરની જમીનો પર દબાણ થઈ ચૂક્યા છે,કોઈપણ ગામમાંથી ગૌચરના દબાણ દૂર કરાવવાની તેમજ ગૌચર જમીન નિમ કરવાની સત્તા જિલ્લા કલેકટરની હોય છે.પરંતુ જિલ્લામાં આવા ગૌચરનાં દબાણો અંગેની વારંવારની ફરિયાદો છતાંપણ દબાણો દૂર કરાતાં નથી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જુના ડીસા પાસેની ગૌચરની જમીનના દબાણો તત્કાલીન કલેક્ટરે ખાલી કરાવ્યા હતા,પરંતુ નક્કર વહીવટી આયોજનના અભાવે ફરી વખત ત્યાં દબાણો થઈ ચૂક્યા છે.જો વર્તમાન જિલ્લા કલેકટર વરુણકુમાર બરણવાલ આવા ગૌચર દબાણો દૂર કરાવી તે જગ્યા રખડતાં પશુઓના નિભાવ માટે નિમ કરી જિલ્લાની સહુથી વિશ્વસનીય ડીસા રાજપુર પાંજરાપોળને નિભાવ ખર્ચ સાથે આપે તો આ સમસ્યા હલ થઈ શકે છે.