ડીસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા
ડીસા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ આદર્શ હાઈસ્કૂલ પાછળ આવેલ વિશ્વ શાંતિ સોસાયટી તરફના રસ્તા ઉપર આવેલ દસેક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. શહેરમાં આદર્શ હાઈસ્કૂલ પાછળ કેટલાક દબાણદારો વર્ષોથી દબાણ કરી બેઠા હતા.જે દબાણો બાબતે સ્થાનિક રહીશોએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી. તેમ છતાં પણ આ દબાણદારો દબાણ હટાવતા ન હતા. જેથી એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને હાઇકોર્ટે આ દબાણો દૂર કરવા માટે ઓર્ડર કરતા મંગળવારે નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આદર્શ હાઈસ્કૂલની પાછળ આવેલા દસેક દબાણ તોડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પાલિકાની આ કામગીરી દરમિયાન કેટલાક રહીશોએ વિરોધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો અને કેટલાક દબાણદારો પોતાના દબાણમાં આવેલ મકાનો તોડી પાડવામાં આવતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા પરંતુ પાલિકાએ કોર્ટના હુકમના પગલે આ તમામ બિનધિકૃત દબાણો તોડી પાડ્યા હતા. આમ જોઈએ તો શહેરમાં તમામ વિસ્તારમાં દબાણોનું પ્રમાણ વધુ છે તેમાંય ગરીબોની સાથે સાથે શ્રીમંતોના દબાણો પણ મોટા પ્રમાણમાં છે. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવા છતાં પણ પાલિકા તંત્ર આ દબાણો દૂર કરવા માટે જરાય તસ્દી લેતું નથી. જોકે અગાઉના વર્ષોમાં પાલિકામાં વહીવટદાર તરીકે નાયબ કલેકટરે ચાર્જ લેતા દબાણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના રહેણાંક વિસ્તાર સાથે કોમર્શિયલ એવા મોટાભાગના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેને લઈ સમગ્ર શહેરમાં ઉહાપોહ મચી ગયો હતો પણ ત્યારબાદ આજ દિન સુધી પાલિકા દ્વારા કોઈ જ દબાણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી નથી. જેના લીધે દબાણદારોને પણ છૂટો દોર મળી ગયો છે અને આડેધડ દબાણો કરી અડિંગો જમાવી બેઠા છે તેમાં પણ શહેરના મોટાભાગના જાહેર માર્ગો ઉપર કિંમતી જમીન ઉપર દબાણદારો દબાણ કરી કોમર્શિયલ શોપિંગ અને દુકાનો બનાવી ભાડા વસૂલી રહ્યા છે તેમ છતાં પણ પાલિકા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતી નથી. અને માત્ર ગરીબ અને જરૂરિયાત મંદ લોકોના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતી હોય છે. એટલું જ નહીં, શહેરમાં મોટા ભાગે રહેણાંક વિસ્તાર સાથે કોમર્શિયલ શોપિંગોમાં પણ મોટાપાયે દબાણ કરવામાં આવ્યા છે. જેમાં શોપિંગ માલિકોએ પાર્કિંગ પણ વેચી નાખ્યા છે. રહેણાંક વિસ્તારમાં તો કોમન પ્લોટ ઉપર પણ ભુમાફિયા કબજો જમાવી બેઠા છે. આ મામલે સ્થાનિક રહીશો અવાર નવાર પાલિકા લેવલે ફરિયાદ કરે છે તેમ છતાં પણ પાલિકા તંત્ર આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતી નથી અને નામ માત્રની કામગીરી કરતી હોવાના ગંભીર આક્ષેપ લોકોએ કર્યા હતા.