
બનાસકાંઠા ફૂડ વિભાગની કામગીરી શંકાનાં ઘેરામાં
બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દિવાળી સમયે જ અખાદ્ય ચીજવસ્તુ બનાવતી ફેકટરીઓ પર ત્રાટકે છે, જ્યારે આવી અખાદ્ય ખાણીપીણી લોકોના પેટ સુધી પધરાવનાર વેપારીઓ સામે વર્ષનાં બાકીના અગિયાર મહિના જવલ્લે જ કોઈ કાર્ય વાહી કરતી હોય છે. જેને લીધે નકલી ખાણીપીણીનો ગોરખઘંઘો ચલાવનારાઓને મોકળું મેદાન મળતું હોય છે. પરંતુ આ વખતે તો દિવાળી સમયે કરેલી કાર્યવાહીમાં પણ ફૂડ વિભાગ સવાલોના ઘેરામાં આવ્યું છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો ત્રણ દિવસ અગાઉ જિલ્લા ફૂડ વિભાગે ડીસા શહેરમાં આવેલ વસુંધરા સોસાયટી ના મકાન, રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષની દુકાનો એમ કુલ ૭ સ્થળોએ શંકાસ્પદ ફરસાણ અને માવામાંથી બનાવાયેલ મીઠાઈ ઓ શંકાસ્પદ હોવાનું જણાતાં દરોડા પાડી સેમ્પલ લીધા હતા. પરંતુ આ તમામ સ્થળોએ બની રહેલ માવાની મીઠાઈઓ અને ફરસાણનો ખુબ જ મોટો જથ્થો સિઝ કર્યા વગર જ છોડી દીધો, જે બાબતે હવે જિલ્લા ફૂડ વિભાગ સામે જ અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ દિવાળી બાદ આવશે તો ત્યાં સુધી આવું શંકાસ્પદ ફરસાણ અને માવાની મીઠાઈઓ ખાનાર લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકશાન પહોંચશે તો તેના જવાબદાર કોણ? તેવા ગંભીર સવાલો ઉભા થવા લાગ્યા છે.
ફૂડ વિભાગે કોના ઓર્ડરથી જથ્થો સિઝ ના કર્યો ?
બનાસકાંઠા ફૂડ વિભાગે ત્રણ દિવસ અગાઉ ડીસા શહેરના જુદાજુદા સાત સ્થળોએથી ફરસાણ અને માવાની બનાવટની ચીજવસ્તુઓ શંકાસ્પદ હોવાથી તેના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ માવા તેમજ ફરસાણના મસમોટા જથ્થાને સિઝ કરાયો નહિ. હવે સવાલએ ઉભો થાય છે કે ફૂડ વિભાગને જથ્થો સિઝ નહિ કરવાનો ઓર્ડર કોણે આપ્યો હતો ? અને દિવાળી બાદ સેમ્પલ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં આવું અખાદ્ય ફરસાણ,માવો આરોગનારના સ્વાસ્થ્યને કોઈ હાનિ પહોંચશે તો તેનો જવાબદાર કોણ ? જાેકે આવા ગંભીર પ્રશ્નો વચ્ચે ફૂડ વિભાગે હાલ મૌન ધારણ કર્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.
ખાદ્યપદાર્થોમાં મિલાવટ કરનારાઓને કોના છૂપા આશિષ ?
પાલનપુર, ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાધ ચીજવસ્તુઓમાં ભેળસેળ અને ડુબલી કેટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ઘી તેલ માવો પનીર મરચું હળદર જેવી ચીજવસ્તુઓનું ભેળ સેળ કરવાની સાથે બ્રાન્ડેડ કંપનીઓનું ડુબલીકેટિંગ પણ કરવામાં આવે છે અને તાજેતરમાં જ ડીસામાંથી ઘી બનાવતી શંકાસ્પદ ફેક્ટરી બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ઝડપી પાડી હતી. ત્યારે હાલમાં દિવાળીના પર્વને લઈ મીઠાઈઓની માંગ વધુ હોવાના લીધે કેટલાક તત્વો ભેળસેળવાળા અનેક નકલી માવામાંથી મીઠાઈઓ બનાવી તેનું વેચાણ કરતા હોવાની રજૂઆતના પગલે બનાસકાંઠા ફ્રુડ વિભાગની ટીમ દ્વારા શનિવારે ડીસા શહેરમાં જુદાજુદા સ્થળો ઉપર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૭ જેટલા સ્થળો ઉપરથી શંકાસ્પદ માવો અને ફરસાણ ના સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલ્યા છે.