બનાસકાંઠામાં ફાળવેલી એન.ડી.આર.એફ ની ટીમને જામનગર મોકલાઇ
જિલ્લામાં ભારે વરસાદ ન હોવાથી NDRF ને ઉઠાવી લીધી, SDRFને પોલીસ હેડકવાર્ટસ ખાતે સ્ટેન્ડ બાય રખાઇ
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં એસ.ડી.આર.એફ ની ટીમ તૈનાત કરાઇ હતી. જોકે, જિલ્લામાં આગાહી મુજબ વરસાદ ન થતા એન.ડી.આર.એફ ની ટીમને જામનગર મોકલવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા તા.25 થી 30 ઓગષ્ટ 2024 સુધી સમગ્ર ગુજરાત રાજયમાં તથા રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ ઓરેન્જ અને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ જિલ્લામાં આગાહી મુજબ વરસાદ ન થતા એનડીઆરએફની ટીમને બનાસકાંઠામાંથી ઉઠાવી તેની ફાળવણી જામનગર ખાતે કરવામાં આવી છે. જેના પગલે બનાસકાંઠા માં આવેલી એન.ડી.આર.એફની ટીમને જામનગર ખાતે રવાના કરવામાં આવી હતી.
અત્યારે જિલ્લાની એસ.ડી.આર.એફ ની ટીમ પોલીસ હેડકવાર્ટસ ખાતે સ્ટેન્ડબાય રખાઇ હોવાનું ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ.