કુંભાસણથી કુંભલમેર માર્ગ છેલ્લાં ચાર વર્ષથી બિસ્માર બનતાં સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન
કુંભલમેર,વેડંચા,ખોડલા ગામેથી કુંભાસણ ગામે અભ્યાસ કરવા આવતાં વિધાર્થીઓ ઢીંચણસમા વરસાદી પાણીમાં ઉતરવા મજબુર બન્યા
પાલનપુરના કુંભાસણ થી કુંભલમેર જવાના એક કિ.મી માર્ગમાં ઠેરઠેર ગાબડાંમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ, પશુપાલકો,રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન બન્યા છે.છેલ્લા ચાર વર્ષ થી ચોમાસામાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે તંત્રને અનેકવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ના થતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે.
પાલનપુર તાલુકાના કુંભાસણ થી કુંભલમેર જવાના એક કિલોમીટર જેટલા માર્ગમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ ખેડૂતો પશુપાલકો અને વાહન ચાલકોને આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે. અને જાણે આ માર્ગ નહીં પરંતુ કોઈ તળાવ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે .એક બાજુ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને આ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાથી ઘણીવાર ટુ વ્હીલર ધરાવતા ચાલકો વરસાદી પાણીમાં પડી જવાની અનેક ઘટનાઓ બની છે.
કુંભાસણ ગામના ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી દર ચોમાસામાં આ માર્ગ ઉપર ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને રાહદારીઓને આ માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બનવું પડે છે માર્ગની બંને બાજુ આવેલ ખેતર માલીકોએ માર્ગ બાંધી દેતા અહીં પાણી ભરેલું રહે છે અને માર્ગ તૂટી જાય છે તંત્ર સત્વરે આ માર્ગને ઊંચો લઈ નવીન બનાવી તેવી જનમંગ ઉઠવા પામી છે.
બિસમાર રસ્તાથી પરેશાન વિધાર્થીઓ શાળામાં રજા પાડવા મજબુર: કુંભાસણ માર્ગ ઉપર ગાબડાં પડી જવાથી આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે.જ્યાં કુંભલમેર, ખોડલા, વેડંચા સહિત ગામોમાંથી અભ્યાસ કરવા આવતાં વિધાર્થીઓને ના છૂટકે ઢીંચણસમા પાણીમાં ઉતરીને ચાલવા મજબુર બનવું પડે છે.સાયકલ કે બાઈક લઈને આવતાં વિધાર્થીના બાઈક ઘણીવાર બંધ થઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અને ઘણીવાર વરસાદ આવે ત્યારે વિધાર્થી આ માર્ગથી પરેશાન થઈને શાળામાં રજા પાડવા માટે મજબૂર બનવું પડે છે.