Home / News / પ્રેમિકાના પતિના હત્યારા ફરાર પ્રેમીને થરાદના એએસપીએ દબોચી લીધો
પ્રેમિકાના પતિના હત્યારા ફરાર પ્રેમીને થરાદના એએસપીએ દબોચી લીધો
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની નર્મદા નહેરમાંથી એક વર્ષ પહેલાં મળેલા હત્યા કરાયેલા મૃતદેહ પ્રકરણમાં મદદનીશ એએસપીએ પાંચ પૈકી ચારને અગાઉ ઝડપી લીધા હતા. જ્યારે એક મુખ્ય આરોપી મૃતકની પત્નીનો પ્રેમી ફરાર હોઇ તેને પણ મંગળવારે ઝડપી લઇ વિધીવત અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આધેડના મર્ડરનું કારણ પ્રેમ છે કે જમીનપ્રકરણ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું એએસપીએ જણાવ્યું હતું.
મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવે જણાવ્યું હતું કે થરાદની નહેરમાંથી એક વર્ષ પહેલાં હત્યા કરીને ફેંકી દેવામાં આવેલા આધેડની ઓળખ ભુદારામ પિતારામ દેવાસી ઉ.વ.૬૮ કામ્બા તા.આહોર (રાજ) હોવાની થવા પામી હતી. જે મૃતકની પત્ની લક્ષ્મીબેન તથા તેના પ્રેમી નરસારામ ભગારામ મેધવાળ રહે કામ્બા તા.આહોર (રાજસ્થાન)ને (પ્રેમી સાથે દાંતીવાડા ખાતે રહેતા હોઇ જે બંનેના પ્રેમસંબધમાં) નડતરરૂપ થતો હોઇ આ બંને જણાએ તેનું કાસળ કાઢવા દાંતીવાડાના રાણોલ ગામના પ્રવીણભાઇ જેઠાભાઇ પટેલ તથા જીતેન્દ્રભાઇ લગધીરભાઇ રબારી (સોઢા) ઉ.વ .૩૧ ઘંઘો ડ્રાઇવીંગ રહે.ભટામલ મોટી તા.પાલનપુર અને હિતેષભાઇ કરશનભાઇ દેસાઇ ઉ.વ.૨૦ ઘંઘો ખેતી રહે.ચિત્રાસણી ભગતવાસ તા.પાલનપુર સાથે મળીને દાંતીવાડા બોલાવ્યો હતો. અને ભુદારામ પાલનપુર આવતાં જીતેન્દ્રભાઇ રબારીની ઇકો ગાડીમાં બેસાડી જેગોલ દાંતીવાડા રોડ ઉપર લઇ જઇ રસ્તામાં તમામ લોકોએ પ્લાન મુજબ ભુદારામને તેની પાઘડીથી ગળાના ભાગે ટુંપો આપી મર્ડર કરી દીધું હતું. ત્યારબાદ આ તમામ લોકોએ તેના મૃતદેહને નર્મદાની મુખ્ય કેનાલમાં ફેકી દઇ પુરાવાનો નાશ કરી પોતપોતાની રીતે છુટા પડી ગયા હતા. આથી એએસપીએ મર્ડરનો ભેદ ઉકેલીને મહિલા સહિત ચારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે લક્ષ્મીબેનનો પ્રેમી નરસારામ ફરાર હોઇ તેને ઝડપવાના ચક્રો પણ ગતિમાન કર્યા હતા.જેમાં તેમણે થરાદ પોલીસની ટીમ પણ રાજસ્થાન મોકલી હતી. અને રાજસ્થાન પોલીસના સંપર્કમાં રહીને આખરે નરસારામને પણ ઝડપી લીધો હતો. તેમજ મંગળવારે બપોરે તેની વિધીવત અટકાયત પણ કરી હતી. અને આધેડના મર્ડરનું કારણ પ્રેમ છે કે જમીનપ્રકરણ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.