બાલારામ નજીક ચેકડેમ બાંધવા પર વન વિભાગે મંજૂરીની મહોર મારી
પાલનપુર તાલુકાના બાલારામ પથંકમાં સિંચાઈ ના પાણીની સમસ્યાના ઉકેલ માટે બાલારામ નજીક ચેકડેમ બાંધવા છેલ્લા ઘણા વર્ષો થી માંગ કરાઈ હતી. સરકાર દ્વારા આ ચેકડેમ માટે વહીવટી મંજુરી આપી હતી પરંતુ ચેકડેમ ની જગ્યા વન વિંભાગમાં આવતી હોય ચેકડેમની કામગીરી વિલંબમાં મુકાઇ હતી. આખરે વન વિભાગે ચેકડેમ બાંધવા પર મંજૂરીની મહોર મારતા આગામી સમયમાં બાલારામ નજીક સવા બે કરોડના ખર્ચે ચેકડેમ નું નિર્માણ કરવામાં આવશે. પાલનપુર તાલુકાના મલાણા સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઉંડા જઈ રહ્યા હોઇ તેમજ જમીનમાં એકસો પચાસ ફુટ ઉંડે પથ્થર આવતો હોઇ નબળા ચોમાસામાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી હોઇ ખેડૂતોએ ખેતી અને પશુ પાલન કરવું મુશ્કેલ બની રહ્યું હતુ. જેને લઇ આ વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મલાણા તળાવ માં પાણી ભરવા અને બાલારામ નજીક ચેકડેમ બાંધવા ખેડૂત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર માં અનેકવાર રજૂઆતો કરવા આવી હતી. ત્યારે સરકાર દ્વારા બાલારામ નજીક ચેકડેમ બાંધવા વહીવટી મંજૂરી આપી હતી. પરંતુ આ જગ્યા સેચ્યુરી વિભાગ માં આવતી હોઇ વન વિભાગની મંજૂરી ને લઇ ચેકડેમની કામગીરી વિલંબ માં મુકાઈ હતી. જાેકે, આખરે વન વિભાગે બાલારામ નજીક ચેકડેમ બાંધવા મંજૂરી આપી દેવા અહી સવા બે કરોડ ના ખર્ચે ચેકડેમ બાંધવા વર્કિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે જાેકે આ ચેકડેમ બનવા થી આ વિસ્તારની ૧૦૦ હેકટર થી વધુ જમીનને ફાયદો થશે.