
ડીસામાં જિલ્લા પોલીસવડાના હસ્તે પરીવારને મકાનનો કબ્જાે સોંપ્યો
ડીસા શહેરમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ બની સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર હિન્દુ યુવા સંગઠન છે. જે છેલ્લા પંદર વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આશીર્વાદ મેળવી રહ્યું છે. ત્યારે આજે ચોમાસામાં ભારે વરસાદના કારણે છત્રછાયા ગુમાવી દેનારી વિધવા અને નોંધારા બનેલા બે બાળકોનો આધાર બની હિન્દુ યુવા સંગઠનના નીતિનભાઈ સોની અને દિપકભાઈ કચ્છવા દ્વારા નિરાધાર બની ગયેલા પરિવારને પાકું મકાન બનાવી આપ્યું હતું.
જેનું શુભ મુહૂર્ત આજે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના વરદહસ્તે રિબન કાપીને કરાયું હતું અને ગરીબ દેવીપૂજક પરિવારને કબજાે સોંપી દેવામાં આવ્યો હતો. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે કેટલાય લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. જેમાં વિધવા સંગીતાબેન દેવીપૂજક અને તેમની બે દિકરીઓ જે ઘરમાં રહેતા હતા તે પણ ધરાશાયી થઈ જતાં આ દેવીપૂજક પરિવારની હાલત કફોડી બની ગઈ હતી અને પરિવાર છત્રછાયા ગુમાવી દેતાં નોધારો બની ગયો હતો. આ બાબતની હિન્દુ યુવા સંગઠનને જાણ થતાં નોધારા બનેલા દેવીપૂજક પરિવારની હાલત જાેઈ તેમને પાકું મકાન બનાવી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ હિન્દુ યુવા સંગઠનના નીતિનભાઈ સોની અને દિપકભાઈ કચ્છવા દ્વારા આ ગરીબ દેવીપૂજક પરિવારને ડીસા રાજપુર વિસ્તારમાં આવેલા ગંજીપુરા ગવાડી વિસ્તારમાં પાકું મકાન બનાવી આપ્યું. જે મકાનનું શુભ મુહૂર્ત આજે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના વરદહસ્તે રિબન કાપીને કરાયું હતું.