
ભાભરના બુરેઠાના પરિવારોને પાણી ભરાતા હાલાકી વેઠવી પડી
હવામાન વિભાગની આગાહીને પગલે બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમા ૭ ઇંચ જેટલો વરસાદ પડતાં ભાભર શહેર સહિત ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેમા વરસાદના વિરામ બાદ ગ્રામજનોને હાલાકી અંગેની વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના બુરેઠા ગામની જેમા નવીન રોડ બન્યો છે ત્યારે ગરનાળા પણ મૂકવામાં આવ્યા છે પરંતુ તેનું પુરાણ થઈ જતાં લોકોને મુશ્કેલી ઉભી થઈ છે અને નિચાણવાળા વિસ્તારોમાં વસતા ૪૦થી વધુ પરિવારોના મકાનો આગળ તેમજ જાહેર રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં લોકો હાલાકી વેઠી રહ્યા છે.
આમ વરસાદી પાણીના કારણે બાળકો અને મહિલાઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ અંગે ગામના સરપંચે પણ જણાવ્યું હતું કે ભાભર તાલુકા પંચાયત કચેરીએ આ અંગેની જાણ કરવામાં આવી છે. વરસાદી પાણી અહી ભરાઇ રહેતા ગામલોકોને ઘરવખરીનો સામાન, બિમાર લોકોને લઇ જવામાં હાલાકી પડી રહી છે તેમજ પાણીના કારણે ઝેરી જીવજંતુ તેમજ રોગચાળો પણ ફેલાવવાનો ભય લાગી રહ્યો છે.