ધી.ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી.ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 25 જાન્યુઆરી 2024 ના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ 11 ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી આજે ચૂંટણી અધિકારી અને ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા મેન્ડેટ લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતીક ત્રિભોવનદાસ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનો મેન્ડેડ આપવામાં આવ્યો હતો.જેથી પ્રતિક પઢિયારે પોતાનો ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉકાજી ઠાકોરે દરખાસ્ત કરી હતી તેમજ પચાણભાઈ પરમારે ટેકો આપ્યો હતો. તેમજ પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ના આવતા પ્રતીકકુમાર પઢીયારને સંઘના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા તે જ રીતે હંસાબેન ના નામનો મેન્ડેટ આવતા તેઓની સામે પણ કોઈએ ઉમેદવારી ન કરતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા.
આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને સંઘના પૂર્વ ચેરમેન શશીકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોશી, પ્રકાશભાઈ દવે, પ્રણવ પઢીયાર અશોકભાઈ પઢિયાર, દશરથભાઈ દેસાઈ સહિત શુભેચ્છકો કાર્યકરોએ નવા વરેલા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતીક પઢિયારે જણાવ્યું હતું કે, ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું…