અંબાજી જતાં લાખો પદયાત્રીઓ માટે ઉમરદશી નદી ઉપરનો જર્જરિત પુલ ભયજનક
પુલની બંને સાઈડની દીવાલ જર્જરિત થતાં અકસ્માતની ભીતિ
પાલનપુરથી અંબાજી સુધીના તમામ પુલોનું નવીનીકરણ થઈ ગયું પણ એક માત્ર પુલ બાકાત
બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુરુવારે મહામેળાની શરૂઆત થઈ રહી છે.જેમાં લાખોની સંખ્યામાં પગપાળા જઈ પદયાત્રીઓ માં અંબાના દર્શન કરશે.ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુર તાલુકાના મેરવાડા- રતનપુર ગામની મધ્યમાંથી ઉમરદશી નદી પસાર થાય છે. જેના પર ઘણા વર્ષો પહેલાં પુલનું નિર્માણ થયેલ છે.પણ હાલમાં આ પુલની બંને સાઈડની દીવાલો જર્જરિત બનતા આ પુલ જીવલેણ સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.ભાદરવી મેળામાં આ જર્જરિત પુલ ઉપરથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ પસાર થશે.જેને લઈને ગ્રામજનોએ જણાવ્યું કે, આ જોખમી અને જર્જરિત બનેલા પુલ ઉપરથી પસાર થનાર પદયાત્રીઓ માટે અસુરક્ષિત સાબિત થશે.
પુલ વર્ષો જુનો હોઇ તેના પર અવારનવાર સમારકામ થાય છે પણ હાલમાં પુલની બને સાઈડની દીવાલો અને રોડ ઉપર જીવલેણ ખાડા પડી ગયા છે. જેનાથી દિવસ દરમિયાન હજારો વાહનો ખાડામાં પટકાય છે.જેમાં કોઇ વાહનના ટાયર ફુટવાની કે પાટા તુટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. એટલું જ નહીં, ભારે લોડીંગ વાહનો સામસામે આવી જતાં રોજીંદો ટ્રાફિક ચક્કાજામ થાય છે અને નાના- મોટા માર્ગ અકસ્માતો પણ સર્જાય છે.વળી, આ જિલ્લા મથક પાલનપુરથી યાત્રાધામ અંબાજી જવાનો મુખ્ય માર્ગ છે અને પાલનપુરથી અંબાજી સુધીના તમામ પુલોનું ચાર માર્ગીય નવિનીકરણ પણ થઈ ગયુ છે.જ્યારે માત્ર આ એક જ પુલ બાકી રહી ગયો છે. જેથી વાહન ચાલકો સાથે લોકો પુલ પરથી પસાર થતી વખતે ભય સાથે પોતાને અસુરક્ષિત પણ અનુભવે છે.ત્યારે જવાબદાર તંત્રની નઘરોળતાને લઈ પદયાત્રીઓની સલામતીનું શું ? તેવો વેધક સવાલ પણ કર્યો હતો.
ભારે વાહન પસાર થતા પુલ સ્પ્રિંગની જેમ કામ કરે છે : સરપંચ આ અંગે મેરવાડા ગામના સરપંચ રમેશભાઈ મોરના જણાવ્યા અનુસાર જર્જરિત પુલ ઉપરથી ડમ્પર, હાઈવા જેવા ભારે વાહનો પસાર થાય છે.ત્યારે આ પુલ સ્પ્રિંગની જેમ કામ કરે છે.જેથી આ પુલ ગમે ત્યારે તૂટી પડે તો નવાઈ નહિ. પુલની સાઈડના સિમેન્ટના કઠેડા જર્જરિત હાલતમાં છે.જ્યાં લોખંડની રેલિગ લગાવતાં પુલ સાંકડો થઈ ગયો છે.બે મોટા વાહનો જો પુલ ઉપરથી પસાર થાય તો કોઈ વ્યક્તિ આ પુલ ઉપરથી પસાર પણ થઈ શકતી નથી.
પુલ 65 વર્ષ જૂનો અને જોખમી : અગ્રણી મેરવાડા ગામના અગ્રણી કાનજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રતનપુર -મેરવાડા ઉમરદશી નદી ઉપર આવેલ પુલ 65 વર્ષ જૂનો પુલ છે.પુલની બંને સાઈડના કઠેડા જર્જરિત બનતાં ત્યાં લોખંડની રેલીગ લગાવતાં પુલ સાંકડો બન્યો છે.ભાદરવી પૂનમ દરમિયાન અહીંથી પુલ ઉપર બે વાહન ચાલે અને સાથે લોકો ચાલશે ત્યારે અકસ્માત સર્જાય તેમ છે કારણ પુલનું જોખમ છે.
રેલિંગના કારણે પુલ ઉલટાનું સાંકડો બન્યો: પુલની બંને સાઈડની દીવાલ જર્જરિત બનતાં તંત્ર દ્વારા સમારકામ કરીને પુલની બંને સાઈડ લોખંડની રેલિગ લગાવતાં માર્ગ સાંકડો થઈ ગયો છે.હવે અંબાજી જતા પદયાત્રીઓનો આ પુલ ઉપર ઘસારો વધશે .હાલમાં પુલ ઉપર મોટા વાહનો પસાર થાય એટલે પુલની સાઈડમાં જગ્યા ન રહેતાં અકસ્માત સર્જાય એવી ભીતિ સેવાઈ રહી છે.
નવો પુલ બનાવવો જરૂરી: એક બાજુ અંબાજી ભાદરવી મેળો ગુરુવારે શરૂ થતાં જિલ્લા મથક પાલનપુરમાં ભારતમાં બીજા નંબરનો એલિવેટેડ પુલ જે તૈયાર થઈ ગયો છે.તે ખુલ્લો મુકાતા જિલ્લા વાસીઓને આ નવા પુલની ભેટ મળશે ત્યારે ઉમરદશી નદી ઉપરનો જર્જરિત અને જોખમી પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નવીન બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.