આવતીકાલે દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું થશે લોકાર્પણ
સોઇલ ટેસ્ટ લેબોરેટરી થી બનાસકાંઠામાં માટીના ધબકારા જીવંત થશે- ચેરમેન શંકરભાઈ ચૌધરી
બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન સાથે મળી બનાસની ધરાને જીવંત બનાવશે – શંકરભાઈ ચૌધરી
આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની નું ઉદ્ઘાટન કરશે. જ્યારે ખીમાણા ખાતે સ્થિત બનાસ બાયોફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી નું ડિજિટલ ઉદ્ઘાટન પણ થશે. જે અંતર્ગત આજે યોજાયેલી પ્રેસમીટમાં પત્રકારોને શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતાં જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિષે અવગત કર્યા હતા.
શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથધરી હતી. ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે. જિલ્લાના પાંચ ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે. થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકસવાની લેબોરેટરી છે. જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાય છે. જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષકતત્વો કેટલાક પ્રમાણમાં છે.
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં બનેલી લેબમાં માટીમાં જીવંતતા કેટલી છે તે જાણી શકાશે. માટીમાં અનેક રહસ્યો છુપાયેલા છે, જેને જાણવા જરૂરી છે. આપની માટી જીવંત છે. તેના કણ-કણમાં જીવ રહેલો છે. તેની જાણકારી હોવી આજના સમયની માંગ છે. દેશની આ પ્રથમ લેબોરેટરી છે જેમાં માટીની જૈવીકતાની તપાસ થશે. જીવંત માટી દ્વારા સમૃધ્ધ ભવિષ્ય બનાવી શકાય છે. આપણે માટીમાં નવા જીવનની ખોજ કરવાની છે. આજે જે પ્રકારે માનવ શરીરમાં રોગ અને પોષકતત્વોનું પ્રમાણ ઘટ્યું છે. તેનું કારણ માટીની જીવંતતામાં ઘટાડો છે. આપણાં સારા ભવિષ્ય માટે માટી જીવંત હશે તો જ આ પૃથ્વી પર રહેલી જીવ સૃષ્ટિ જીવંત રહેશે. આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળી માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહી છે.
સોઇલ ટેસ્ટ લેબોરેટરીની વિશેષતા :-
– સોઇલ ટેસ્ટ માટેની વૈશ્વિક સ્તરની આધુનિક લેબ
– જમીનની જૈવિક પાસઓની તપાસ થશે
– માટીના સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ થશે
– ટકાઉ માટી વ્યવસ્થાપન માટે નવો માપદંડ સ્થાપિત થશે
– ખેડૂતોને સોઈલ હેલ્થ રિપોર્ટ મળશે
– ખેડૂતો પોતાની જમીનની જીવંતતા જાણી શકશે