થરાદ ખાતે મુખ્યમંત્રી સભા યોજાઈ જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી ડી.ડી રાજપૂતએ કેસરીયો ધારણ કર્યો
લોકસભાની ચૂંટણી પૂર્વે થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી. જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી ડી.ડી રાજપૂત ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે તેમના હજારો સમર્થકો પણ કેસરીયો ધારણ કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના બાદ જાહેરસભાને સંબોધતા બળવંતસિંહ રાજપૂતે ભાજપના વિકાસની વાતો કરી હતી. કોંગ્રેસ છોડી આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે ત્યારે, થરાદના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂત, યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ જોષી સહિત હજારો આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. હજારો આગેવાનોને મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્ય હતા. જેના બાદ ભાજપમાં આવેલ કોંગ્રેસના આગેવાન ડીડી રાજપૂત અને આન્ય આગેવાનોએ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કર્યું હતું.
જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તેઓએ વિકાસની વાતો કરતા નરેન્દ્ર મોદીના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું એક કમળ મોકલવાનું છે.
જેના બાદ ભાજપમાં જોડાયેલા હજારો આગેવાનોને પણ મુખ્યમંત્રીએ આવકાર્ય હતા. આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વિકાસના કામો અને રામ મંદિર જેવા મહાન કાર્યોથી પ્રભાવિત થઈ અને અંતરના આત્માના અવાજને પૂછીને ભાજપમાં જોડાયો છું. ક્ષત્રિયોના આંદોલન વિશે પૂછતાં જણાવ્યું હતું કે, મા ભવાની અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આ વાતનો સુખદ અંત આવે.