
દાંતામાં થેલીને બ્લેડ મારી ૨૫ હજાર સેરવી લીધા
કોરોના સંકટ વચ્ચે જિલ્લામાં ભેજાબાજ ઠગ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે જેના એક વધુ બનાવમાં દાંતામાં જાહેર માર્કેટમાં ઇસમની થેલીને બ્લેડ મારી ૨૫ હજારની ચોરીથી ચકચાર મચી ગઇ છે.
કોરોના સંકટ વચ્ચે અનેકના રોજગાર ધંધા ઠપ્પ થતાં બેરોજગાર ઇસમો લોકોને લુંટી રહ્યા છે. જો કે ૨૫ હજારની ચોરી કરી ફરાર થઇ ગયેલ ઈસમ સીસીટીવીમાં કેદ થયો છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના નાનસડા ગામના વતની છગનભાઇ પ્રજાપતિની થેલીમાં કોઇ અજાણ્યા ઇસમે બ્લેડ મારી ૨૫૦૦૦ રૂપિયા અને બેંકની પાસબુકો પણ ચોરી લીધી છે. છગનભાઇ બેચરભાઇ પ્રજાપતિ ગઇકાલે બપોરે એક વાગે બેંક ઓફ ઇન્ડીયામાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. જેઓ પૈસા લઇ તેમને પૈસા અને પાસબુક કાપડની થેલીમાં મુકી હતી.ત્યારબાદ છગનભાઇ શાકભાજી લેવા દાંતા માર્કેટમાં ગયા હતા. જ્યાં બીજા વેપારીઓએ તેમને જણાવ્યુ કે,તમારી થેલી ફાટેલી છે. તેથી છગનભાઈએ થેલી સામે જોયું તો તેમાંથી ૨૫ હજાર અને બેંકની પાસ બુકો પણ ગાયબ હતી.
કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં આમ પ્રજા પીસાઈ રહી છે ત્યારે ધોળા દિવસે આવા બનાવો બનતા પ્રજાની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થાય છે તેથી પોલીસ આવા ભેજાબાજોને ઉગતા ડામે તે જરૂરી છે. જો કે દાંતામાં થેલીને બ્લેડ મારી 25 હજાર સેરવી જનાર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. જેથી દાંતા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરીયાદ પણ નોંધવામાં આવી છે. જેના પગલે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.