
ડીસા શહેરમાં ચોરીના બે મોબાઈલ સાથે આરોપીની અટકાયત કરાઈ
બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે એક ઘરફોડિયા ચોરને ડીસા શહેરમાંથી ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઇ જિલ્લા પોલીસ વડા દ્વારા ચોરીની ઘટનાઓને ડામવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક શખ્સને ચોરીના બે મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો.એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ડીસામાં જલારામ પાસે એક શખ્સ ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે જલારામ મંદિર પાસે તપાસ હાથ ધરી મૂળ અમદાવાદના બાપુનગરનો રહેવાસી અને અત્યારે ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં રહેતા અજય શકરાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની પાસેથી બે એન્ડ્રોઇડ મોબાઈલ સહિત ૧૯ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. એલસીબીની ટીમે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ડીસા શહેરમાં અગાઉ પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી આ શખ્સને ડીસા શહેર ઉત્તર પોલીસને સોંપ્યો હતો. પોલીસે અત્યારે ચોરની અટકાયત કરી વધુ ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.