
થરાદ ખાતે બની રહેલી ૬૪,૦૦૦ ફૂટની રંગોળી એશિયા બુકમાં નોંધણી કરાવશે
(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદમાં યજ્ઞ મંડપની પાછળ ભગવાન શ્રીરામના અયોધ્યામાં બની રહેલા અત્યાધુનિક મંદિરને રંગોળી વડે બનાવવામાં આવી રહ્યું છે. આ અંગે મધ્યપ્રદેશના કલાકાર રાહુલ સ્વામીએ જણાવ્યું હતું કે જમીન પર (૮૦ બાય ૮૦) ૬૪,૦૦૦ ચો.ફૂટ જમીનમાં ૧,૦૦૦ કિલો રંગ વડે બનાવવાનું કામ રવિવારથી શરૂ કરાયું છે.
જેમાં તેમની પત્ની સહિત ત્રણ કલાકારો સતત રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. આ રંગોળી સોમવારે આખી રાત જાગીને પણ સતત કામ કરીને સવારે તૈયાર કરી દેવામાં આવશે.
આ યુવા કલાકારે જણાવ્યું હતું કે સાત વર્લ્ડ રેકોર્ડ બનાવી ચુક્યા છે. ૨૫ મીએ જમીન પર મંદીરનો ગ્રાફ બનાવ્યો હતો.૨૬ મીએ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભગવાનશ્રી રામનો અયોધ્યાનો બની રહેલો નવા મંદીરના ફોટા મુજબ રંગોળીથી મંદીર બનાવવામાં આવ્યું છે. જેમાં આઠથી નવ કલર માર્બલના ચુરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.દિવસે તડકાના કારણે સતત સોળ કલાકની મહેનત કરીને રંગોળી બનાવવામાં આવી રહી છે. જે ૪૦ કલાકમાં બનાવવાનું લક્ષ્ય છે.