થરાદ – વાવની બ્રાંચ કેનાલોમાં પાણી છોડાતાં ખેડૂતોને રાહત
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ વાવ તાલુકાના ખેડુતો અને સરપંચ એસોસિયેશન સહિતો દ્વારા નર્મદાની શાખા નહેરોમાં પાણી છોડવા માટે સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને આ અંગે સરકારે અગાઉ જાહેરાત પણ કરી હતી. તે મુજબ બુધવારથી થરાદ વાવની તમામ શાખાનહેરોમાં પાણી છોડવામાં આવતાં ખેડુતોએ રાહતની લાગણી અનુભવી હતી. બીજી બાજુ નર્મદા નહેર વિભાગ દ્વારા પાણીની જરૂરીયાત બાબતે માંગણાપત્રક મોકલી આપવા પણ સિંચાઇ મંડળીને તાકીદ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સરહદી થરાદ વાવ અને સુઇગામ વિસ્તારના ખેડુતોને સિંચાઇ માટે આપવામાં આવતું નર્મદાનું પાણી પહેલાં ૧૫ માર્ચ સુધી આપવા પરિપત્ર કર્યા બાદ બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ તથા વાવ તાલુકા સરપંચ એસોસિયશેન અને થરાદના ધારાસભ્ય સહિતનાએ નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી એક મહીનો પાણી વધારે આપવા માટે રજુઆત કરતાં ઊનાળુ પાક માટે વધુ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બુધવારથી થરાદ વાવની માયનોર કેનાલોમાં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આમ કેનાલોમાં પાણી ફરીથી શરૂ થતાં ખેડુતોને રાહતની લાગણી અનુભાવા પામી હતી. થરાદ તાલુકા ભાજપના પ્રમુખ દાંનાભાઇ માળીએ જણાવ્યું હતું કે ગત રોજ પડેલા વાવણીલાયક વરસાદમાં કેટલાક ખેડુતોએ ખરિફ પાકનું પણ વાવેતર કરી દીધું હતું. આથી આવા ખેડુતોને પણ જરૂરીયાત પડ્યે પાણી ઉપયોગી બની શકશે. તથા ખેતરોમાં પશુધન અને ખેડુતોને પીવાના પાણીની સમસ્યા હતી. તેમાં પણ રાહત થવા પામી હતી. જોકે કેટલાક ખેડુતોમાં હજુ વાવેતર કરેલ નહી હોઇ તેમના માટે અત્યારે પાણીની જરૂર ન હતી તેમ પણ ચર્ચાસ્પદ બન્યું હતું.જેની વચ્ચે નર્મદા વિભાગ દ્વારા જાહેર નોટીસથી પાણીની જરૂરીયાત હોય તેવા ખેડુતોને સંબંધિત સિંચાઇમંડળીના પ્રમુખ મંત્રીને મળીને માંગણાપત્રક સત્વરે ભરીને મોકલવા જેથી માંગણાપત્રક મુજબ ખરીફ પાક માટે પાણીના જથ્થાનું આયોજન કરી શકાય તેમ પણ પિયત મંડળીઓને ટકોર કરવામાં આવી હતી.