ડીસામાં ૯ કેન્દ્રો ઉપર બંદોબસ્ત હેઠળ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
રાજ્યભરમાં આજે તલાટી સંવર્ગની પરીક્ષા માટે ડીસામાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી ચકાસણી કરી પરીક્ષાાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી સંવર્ગની પરીક્ષા માટે ડીસામાં પણ ૯ જેટલા કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ સહિત અનેક જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી ચકાસણી કરી પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડીસાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને બહાર જ બુટ મોજા કઢાવી, મોબાઈલ ફોન તેમજ અન્ય કોઈપણ ચીજ વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવી ન હતી. દૂર દૂરથી પરીક્ષાર્થીઓ આવેલા હોઇ સાથે આવેલા તેમના વાલીઓના પણ પરીક્ષા કેન્દ્રોની બહાર ટોળેટોળા જાેવા મળ્યાં હતાં. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે ડીસાની આદર્શ હાઇસ્કુલના શિક્ષક હરેશ પવાયાએ જણાવ્યું હતું કે, તેમની શાળામાં પણ ૯૦૦ જેટલા પરીક્ષાર્થીઓ માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને તમામ પરીક્ષાર્થીઓને ૧૦ઃ૩૦ વાગ્યે પ્રવેશ અપાયો હતો. પોલીસ દ્વારા પૂરતી ચકાસણી કરી તમામ પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો હતો.શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતા તમામે હાશકારો અનુભવ્યો હતો.