રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઈ
પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસે ‘સ્વચ્છ ભારત દિવસની ઉજવણી’ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉનહોલ, પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રંસગે રાજ્યસભાના સાંસદએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું. મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો. તેમના સૂત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાર્થક કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ૧૦ વર્ષથી કરી રહ્યા છે. સાંસદએ સફાઈ કામદારોને વંદન કરતા જણાવ્યું કે, સમગ્ર માનવજીવનને સાચવવાનું કામ સફાઈ કામદારો કરે છે. જળ, પવન અને પૃથ્વી માતાને સ્વચ્છ રાખવાનું કામ આપણે સૌ કોઈએ કરવાનું છે. સ્વચ્છતા રાખવી એ આપણી સૌની નૈતિક ફરજ છે.
પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા લગત શોર્ટ ફિલ્મનું નિદર્શન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, CTU ટ્રાન્સફોર્મેશન એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઇ-રિક્ષાઓનું સાંસદ અને ધારાસભ્ય,પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું.