
પાલનપુરના ચડોતર નજીક શંકાસ્પદ ઘી ઝડપાયું, 150 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા
તહેવારના સમયે રાજ્યભરમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. અલગ અલગ શહેરોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. બનાસકાંઠા અને જામનગરમાંથી શંકાસ્પદ ઘી પકડાયું છે. ગાંધીનગરના દહેગામમાંથી શંકાસ્પદ દૂધ-ક્રીમનો જથ્થો જપ્ત કરાયો છે. ખાનગી ડેરીનો 1400 કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરાયો છે.તહેવારના ટાણે બજારમાંથી ઘી ખરીદતા પહેલા ચેતજો નહીંતર તમે બિમાર પડી શકો છો. આ એટલા માટે કારણ કે બનાસકાંઠામાં ચડોતર નજીકની દુકાનમાં ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. જયાં સોનમ વેજ ફેડ ઘીના 150 ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા ઘીના સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા. મહત્વનું છે કે સોનમ વેજ ફેડ ઘી ડીસાના વેપારીનું હોવાનું સામે આવ્યું છે. ડબ્બા પર પેકેજીંગ અને એક્સપાયરી ડેટ ન હોવાથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. મહત્વનુ છે કે હાલમાં તહેવાર છે જેને ધ્યાને રાખી તંત્ર દ્વાર વિવિધ એકમોમાં ફૂડની ગુણવતાને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી.