શ્રીમુલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો પેઢીમાંથી 53 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. બંને પેઢીમાં મળી 53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળ ની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના કાણોદરા ખાતેની બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળશેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી રૂ. 53 લાખની કિંમતનો 8200 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક વિપુલભાઈ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમુલ ઘીનાં 03 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 41.86 લાખની કિંમતનો 6354 કિ.ગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, કાણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડ્ક્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો તેમજ પેઢીનાં માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતાં હોવાનું જણાયું હતું. પેઢીના માલિક ફિરોઝહૈદર અઘારીયાની હાજરીમાં નમસ્તે ઘીનાં 06 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 10.82 લાખની કિંમતનો 1754 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.