
થરાદમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ બે ભાઈઓને ટકો કરાયો
(રખેવાળ ન્યૂઝ) થરાદ, થરાદના એક ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની આશંકાએ બે યુવક ગામ લોકોના હાથે ઝડપાઈ જતા તેમને ટકો કરી તાલીબાની સજા કરી હોવાની ઘટના સામે આવી છે. જે યુવકને ટકો સજા કરતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ જ પોલીસમાં ફરિયાદ થઈ નથી.
જાણવા મળતી માહિતી મુજબ એક ગામના બે ભાઈ બાજુના એક ગામમાં ગયા હતા. જ્યાં ગામલોકોએ કોઈ છોકરી માટે આવ્યા હોવાની શંકા જતા બીજીવાર ગામમાં ન આવે એના માટે મુઢ માર મારી બન્ને ભાઈઓને સામ સામે બેસાડીને ટકલો કરાવ્યો હતો.
લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરી માથે ટકો કરી તાલીબાની સજા આપી હતી. ઝડપાયેલા યુવકોને સજા કરતાનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ મામલે પોલીસ મથકે તપાસ કરતા કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી. પરંતુ પોલીસે ટકલો કરનાર શખ્સની ધરપકડ કરીને જવાબો લઈ છોડી મુક્યા હોવાનું જાણવા મળ્યું હતું.