
ચડોતર પાસેથી વેજ ફેટ ઘીના શંકાસ્પદ ૧૧૬ ડબ્બા ઝડપાયા
તાજેતરમાં જ યાત્રાધામ અંબાજી ખાતે પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતું અમૂલ ઘી નકલી હોવાનું સામે આવતા મચી ગયો હતો. જેની તપાસ પણ હજી ચાલી રહી છે ત્યારે ડીસા અને ચંડીસરની જીઆઇડીસીમાં અનેક ઘી બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જેમાં લોકલ બ્રાન્ડની સાથે જાણીતી કંપનીઓના પણ ઘીનું ડુબલીકેટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે ડીસાથી ઘીનો જથ્થો મહેસાણા જતો હતો. તે દરમિયાન ચડોતર પાસેથી વેજ ફેટ ઘીના ૧૧૬ ડબ્બા બનાસકાંઠા વિભાગની ટીમે જપ્ત કર્યા છે. ડીસાથી સોનમ બ્રાન્ડ વેજ ફેટ ઘીનો જથ્થો મહેસાણા જતો હતો. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમ ચડોતર પાસેથી આ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા હતા. ફુડ વિભાગ દ્વારા તપાસ કરતા સોનમ વેજ ફેટ ઘીના ડબ્બા ઉપર પેકિંગ અને એક્સપાયરી ડેટ ન લખેલું હોવાથી શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ૧૧૬ ડબ્બા ઘીના જપ્ત કરી તેના સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ડીસા શહેરના જીઆઇડીસી સહિત અન્ય રહેણાંક વિસ્તારોમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જેમાં કેટલીક ફેક્ટરીઓની જાણકારી ફુડ વિભાગ પાસે હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર ક્યારેક જ દેખાવ પૂરતી કાર્યવાહી કરી ફ્રુડ વિભાગ સંતોષ માને છે. ડીસાના એક શખ્સ દ્વારા ચંડીસરમાં ઘી બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ઘીની ફેક્ટરીમાં તે પોતાની બ્રાન્ડનું ઘી બનાવવાની સાથે જાણીતી ઘી બનાવતી કંપનીઓનું ડુબલીકેટિંગ પણ કરવામાં આવે છે અને જાણીતી કંપનીનું તૈયાર કરાયેલા ઘીના ૫૦૦ ગ્રામથી લઈ ૧૫ કિલો સુધીના ડબ્બા બનાસકાંઠા, અમદાવાદ અને રાજસ્થાનમાં મોકલવામાં આવે છે. જો ફુડ વિભાગ આ ફેક્ટરીમાં પણ ઓચિંતી તપાસ કરે તો જાણીતી ઘી બનાવતી કંપનીનું નકલી ઘીનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવે તેવી શક્યતાઓ છે. ફુુડ વિભાગના કાયદામાં સજાની કડક જોગવાઈ ન હોવાના લીધે નકલી ઘી તેલ બનાવતા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે. ક્યારે પણ ફુડ ભાગની ટીમ નકલી ઘી તેલના સેમ્પલ ચકાસણી માટે મોકલે છે અને ફેલ આવે તો આ નકલી ઘી તેલ બનાવતા તત્વો માત્ર દંડ ભરીને છૂટી જાય છે અને ફરીથી નકલી ઘી તેલ બનાવવાનો કારોબાર શરૂ કરી દેતા હોય છે. ત્યારે સરકારે ફુડ વિભાગના કાયદામાં સુધારો કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વોને કડક સજા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.